‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર મોડલ’ વિશ્વમાં અપનાવવાની જરૂરઃ WB

ગાંધીનગરઃ વિશ્વ બેન્કના અધ્યક્ષ અજય બંગાએ કહ્યું હતું કે ગુજરાતના ગાંધીનગરમાં ‘કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર’ –જેને ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર’ પણ કહેવામાં આવે છે, એને દેશના અન્ય ભાગોમાં જ નહીં વિશ્વમાં એક ‘લીડરશિપ મોડલ’ તરીકે અપનાવવાની જરૂર છે. બંગાએ અમેરિકાના ટ્રેઝરી સચિવ જેનેટ યેલનની સાથે કેન્દ્રની મુલાકાત લીધી હતી, જે રાજ્યના 1.15 કરોડ વિદ્યાર્થીઓ, આશરે પાંચ લાખ શિક્ષકો અને 50,000 સ્કૂલોના શૈક્ષણિક અને વહીવટી ડેટાને એકઠો કરે છે અને વિશ્લેષણ કરે છે.

સચિવ યેલેને કહ્યું હતું કે ગરીબીના ચક્રને તોડવા અને સતત વિકાસને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. અન્ય ભાગીદારોની સાથે વિશ્વ બેન્કની ભૂમિકા એમાં પ્રશંસનીય છે.

બંગાએ પત્રકારોને જણાવ્યું હતું કે સૌથી અસરકારક પ્રકાર એ સારા વિચારોને અપનાવવાનો છે, જે સારાં કામ કરે છે અને ફરીથી એને અપનાવે છે. હું ઉત્સુક છું. આ પ્રકારના વિચારો દેશભરમાં ફેલાવવામાં આવે અને દેશની સાથે અમારી ભાગીદારીની જરૂર પડે છે, પરંતુ આ દેશને બહાર લઈ જવાના અને અહીંથી નેતૃત્વના આદર્શ તરીકે દેખાડવામાં પણ ઉત્સુક છું. તેમણે કહ્યું હતું કે આ કેન્દ્રને એક ઉદાહરણ તરીકે ઉજાગર કરી શકાય છે, એક દેશમાં જ્યાં મોટી યુવા જનસંખ્યા છે, એનો વિકાસ કેવી રીતે કરી શકાય છે. હું વડા પ્રધાન મોદી સાથેની મુલાકાતમાં તેમને જણાવીશ કે આ નિયંત્રણ અને કમાન્ડ સેન્ટર એક સારો વિચાર છે, જેને ભારત અને વિદેશોમાં અન્ય સ્થાનોમાં સ્થાપિત કરી શકાય છે.