અમદાવાદઃ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મતિથિ – બીજી ઓક્ટોબર, શનિવારથી અમદાવાદ તેમજ સૌરાષ્ટ્રમાં ચાર સ્થળે – બાબાપુર (જિ. અમરેલી), જૂનાગઢ, ભાવનગર અને રાજકોટ ખાતે એક અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
‘નરસિંહ સે ગાંધી તક’ નામક એક સ્નેહ સંગીતયાત્રાનું ચાર સેવાસંસ્થાઓ – વિશ્વગ્રામ, નવજીવન ટ્રસ્ટ, યજ્ઞ પ્રકાશન અને ઉત્કર્ષ હેલ્થકેર ફાઉન્ડેશન દ્વારા 2-6 ઓક્ટોબર, 2021 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત કશ્મીરી સૂફી લોકગાયક ગુલઝાર અહમદ ગનાઈ સ્નેહસંગીતની પ્રસ્તુતિ કરશે. જેમાં નરસિંહ મહેતા અને ગાંધીજીના પ્રિય ભજનો ગવાશે. ગનાઈ દ્વારા પ્રથમ વાર ‘વૈષ્ણવજન’ કશ્મીરી ભાષામાં રજૂ કરાશે.
આ સ્નેહ સંગીતયાત્રાના મુખ્ય આયોજકો – વિશ્વગ્રામ, નવજીવન ટ્રસ્ટ, યજ્ઞ પ્રકાશન અને ઉત્કર્ષ હેલ્થકેર ફાઉન્ડેશનને પાંચેપાંચ દિવસે પ્રતિષ્ઠિત સેવા-સંસ્થાઓનો સહયોગ સાંપડ્યો છે. જેમાં અમદાવાદમાં ગાંધી આશ્રમ, ભાવનગરમાં માઈકો સાઈન પ્રોડક્ટ્સ, બાબાપુરમાં શ્રી સર્વોદય સરસ્વતી મંદિર, જૂનાગઢમાં રૂપાયતન અને રાજકોટમાં શ્રી અરવિંદ મણિયાર જનકલ્યાણ ટ્રસ્ટ અને ફૂલછાબનો સમાવેશ થાય છે.