અમદાવાદઃ ગાંધીનગર અને મુંબઈ વચ્ચે નવી જ શરૂ કરવામાં આવેલી ‘વંદે ભારત’ એક્સપ્રેસ ટ્રેન સાથે આજે સવારે અમદાવાદ નજીક બે ભેંસ અથડાયા બાદ ટ્રેનને થોડુંક નુકસાન થયું હતું.
સવારે લગભગ 11.15 વાગ્યે વટવા અને મણીનગર વિસ્તારો વચ્ચે બનેલી ઘટનામાં કોઈ પ્રવાસીને ઈજા થઈ નહોતી. ભેંસોનું એક ટોળું પાટા પર આવી ગયું હતું અને ભેંસો ટ્રેનની હડફેટે આવી ગઈ હતી. એમાંની ત્રણ ભેેંસ મૃત્યુ પામી હતી. એને કારણે ફાઈબર-રીઈન્ફોર્સ્ડ પ્લાસ્ટિકના બનાવેલા ટ્રેનના આગળના ભાગને થોડુંક નુકસાન પહોંચ્યું હતું. ભેંસોના મૃત શરીરને હટાવી દેવાયા બાદ અને ટ્રેનના નુકસાન પામેલા ભાગને ઠીક કરી દેવાયા બાદ ટ્રેનને આગળ વધારવામાં આવી હતી. લગભગ દસેક મિનિટ જેટલો સમય વેડફાયો હતો. તે છતાં ટ્રેન મુંબઈ તેના નિર્ધારિત સમય કરતાં ચાર મિનિટ વહેલી, બપોરે 12.21 વાગ્યે પહોંચી હતી.