મુંબઈનો પરિવાર વડોદરામાં બન્યો અકસ્માતનો ભોગ, 4નાં મોત

વડોદરા- શહેરના ગોલ્ડન ચોકડી પાસે વહેલી સવારે થયેલાં અકસ્માતમાં 4 વ્યક્તિના મોત નીપજ્યાં છે. મુંબઇથી અમદાવાદ આવી રહેલો પરિવાર આ દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. આ દુર્ઘટનામાં 4નાં મોત તેમ જ અન્ય 2 ઘાયલ થયાં હતાં.વડોદરા નજીકની નેશનલ હાઇવે પરની ગોલ્‍ડન ચોકડી પાસે વહેલી સવારે ટ્રકની પાછળ કાર ઘૂસી ગઇ હતી. જેમાં પતિપત્ની સહિત એક જ પરિવારના ચાર સભ્યોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. મુંબઇથી અમદાવાદ આવી રહેલ પરિવારમાં અકસ્માતનો ભોગ બનનારમાં ત્રણ મહિલા અને એક પુરુષ છે. ટ્રક ડ્રાઇવર ટ્રકને સાઇડ ઉપર પાર્ક કરીને કુદરતી હાજતે ગયો હતો ત્યારે કાર પાછળથી ઘૂસી ગઇ હોવાનું જાણવા મળે છે. ઘટનાસ્થળેથી કેટલાક મોબાઇલ પણ ગુમ થયાં હોવાનું બહાર આવ્યુ છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. કારમાં ફસાયેલા મૃતદેહોને બહાર કાઢી સયાજી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યાં હતાં. જ્યારે બે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો.