વિપક્ષ નેતા ધાનાણીએ સીએમને વધુ એકવાર પત્ર પાઠવી કરી આ માગણીઓ

ગાંધીનગર- વિપક્ષ નેતા પરેશ ધાનાણીને પત્ર લખવાની સારી એવી ફાવટ આવી ગઇ છે. જેનો ઉપયોગ કરતાં તેમણે વધુ એક પત્ર સીએમ વિજય રુપાણીને પાઠવ્યો છે. તેમ જ કેટલાક મુદ્દે ચર્ચા કરવા વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા માગણી કરી છે.ધાનાણીએ લખ્યું છે કે રાજ્યમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ જોતાં ગરીબ, ગામડાં અને ખેડૂત સહિતના જુદાજુદા વર્ણ અને વર્ગમાં જોવા મળી રહેલી નારાજગી અને આક્રોશને વાચા આપવા તથા સામાન્ય માણસની અધૂરી રહેલી અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા અને નીચે જણાવેલ મુદ્દાઓ અંગે યોગ્ય ચર્ચા-વિચારણા કરવા માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની ખાસ જરૂરિયાત હોઈ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવે.

પાટીદાર મુદ્દો

પાટીદાર અનામત આંદોલન વખતે પાટીદાર બહેન-દીકરીઓ પર પોલીસ દ્વારા થયેલ અમાનુષી અત્યાચાર અંગે જવાબદારો સામે યોગ્ય પગલાં ભરવા અને આંદોલનકારીઓ ઉપરના દેશદ્રોહ તથા અન્ય ખોટા પોલીસ કેસ પરત ખેંચવાની જાહેરાત ચૂંટણી અગાઉ કરવામાં આવેલ, તે બાબતે હજુ સુધી કોઈ નિર્ણય થયેલ નથી, તેમજ બધા પોલીસ કેસ પરત ખેંચવામાં આવેલ નથી તે બાબતની ચર્ચા કરવા માટે.

ફી મુદ્દો-

ચૂંટણી અગાઉ વિઘાર્થીઓ અને વાલીઓને ખાનગી શાળા સંચાલકો મારફતે ઉઘરાવાતી તોતિંગ ફીમાંથી બચાવવા માટે ફી નિર્ધારણ કાયદાની જાહેરાત કરી હતી, પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ શિક્ષણપ્રધાને નિવેદન કરેલ કે “ફી તો ભરવી જ પડશે” તેમ કહી વિદ્યાર્થીઓ અને વાલીઓને આપેલ ફી ઘટાડવાના વાયદાનો વચનભંગ કરેલ છે તેમજ ખાનગી શાળાઓ દ્વારા ઉઘરાવાતી તોતિંગ ફી સામે સરકારની નિષ્ક્રિયતાના કારણે ખાનગી શાળાઓમાં શિક્ષણ માફીયાઓ દ્વારા ફી નિર્ધારણ કાયદાના થઈ રહેલ વસ્ત્રાહરણ બાબતની ચર્ચા કરવા માટે.

 નર્મદા ડેમ

વર્ષ-૨૦૧૬ની સરખામણીમાં વર્ષ-૨૦૧૭માં વધુ પાણી ભરાયેલ હોવા છતાં ચુંટણી પહેલા સાબરમતી નદીમાં સી-પ્લેન ઉડાડવા તેમજ આજીમાં દિવડાઓ પ્રગટાવવા નર્મદાના પાણીનો દુર્વ્યય કરીને ભાજપે સત્તામાં આવ્યા બાદ થોડા જ દિવસમાં ખેડુતોને સિંચાઈ માટે નર્મદાના પાણીથી વંચિત રાખીને ખેતરોમાં ઉભા પાકને મુરઝાવાતા અટકાવવામાં સરકારની ઈરાદાપૂર્વકની નિષ્ફળતા તેમજ વિતરણ વ્યવસ્થાના અભાવે ટેન્કર રાજનો સામનો કરી રહેલા હજારો ગામડાઓની પીવાના પાણીની કાયમી સમસ્યાના સમાધાન બાબતની ચર્ચા કરવા માટે.

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા યોજનાના મુખ્ય બંધનું કામ પૂર્ણ થયું હોવા છતાં ૧૮.૪૮ લાખ હેકટર ખેતીની જમીનમાં સિંચાઈનો લાભ આપવાના નર્મદા યોજનાના મુળ આયોજનમાં ૫૬,૦૦૦ હેકટરનો ઘટાડો કરીને માત્ર ૧૭.૯૨ લાખ હેકટર જેટલો ખેતીલાયક વિસ્તાર સીમીત કર્યા પછી પણ આજે હજારો કિ.મી.ના અધુરા કેનાલ નેટવર્કના કારણે આજે પણ ૧૧.૬૪ લાખ હેકટર ખેતીની જમીન સિંચાઈના લાભથી વંચિત રાખીને રાજ્યના ખેડૂતો સાથે કરેલ અન્યાય અને વચનભંગની ચર્ચા કરવા માટે.

ખેડૂતો

કૃષિ ઉપજના પોષણક્ષમ ભાવ ન મળવા અને ખાનગી વીમા કંપનીઓને કમાવી આપવા માટે પાકવીમાનું ઉંચા દરનું પ્રિમિયમ ખેડૂતો પાસે ફરજિયાત ભરાવવાની જોહુકમી પછી પણ પાકવીમાની ચૂકવણીમાં કરેલ અનિયમિતતા તથા વિલંબ સહિત રાજ્યના તમામ દેવાદાર ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ કરવા બાબતની ચર્ચા કરવા માટે.

ખેડૂતોને ભોળવીને રાજકીય રોટલા શેકવા માટે ટેકાના ભાવે મગફળી ખરીદીના સરકારી કાર્યક્રમમાં મળતીયાઓને લાભ કરાવીને ચૂંટણી ફંડ એકઠું કરવા વ્હાલાંદવલાં અને રાગદ્વેષની નીતિથી ખરીદેલ માટી-ઢેફા સહિતની નબળી ગુણવત્તાવાળી મગફળીની ગુણીઓને ખાનગી માલિકો પાસેથી ભાડે રાખેલા ગોદામોમાં રાખીને અનિયમિતતાના પુરાવાઓનો નાશ કરવા ગોડાઉનોને ઈરાદાપૂર્વક સળગાવવામાં આવ્યા છતાં આવી ગુનાહિત બેદરકારીમાં મોટા માથાઓને બચાવવાના બદઇરાદાથી તપાસમાં ઢીલાશ દાખવવા બાબતની ચર્ચા કરવા માટે.

નોટબંધી દરમિયાન હજારો કરોડના કાળા ધનનું બીટકોઈનમાં રોકાણ કરનારા મોટા માથાઓને બચાવવાના બદઇરાદાથી બીટકોઈનકાંડની તપાસમાં ઢીલાશ દાખવવા બાબતની ચર્ચા કરવા માટે.નોટબંધી તેમજ જીએસટીના અમલમાં જડતાભર્યા તઘલખી નિર્ણયોના કારણે ઉદભવેલી આર્થિક મંદીનો સામનો કરી રહેલા બેરોજગાર યુવાનોને સરકારી નોકરીઓ તથા રોજગાર આપવામાં નિષ્ફળ નીવડેલી સરકારી નીતિઓ તથા રાજ્યમાં કથળતી જતી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના પ્રશ્નો અંગે ચર્ચા કરવા માટે.

રાજ્યમાં દિનપ્રતિદિન દલિત સમાજ પર થતા અત્યાચારો સામે સરકારની ઘોર ઉદાસીનતા બાબતની ચર્ચા કરવા માટે.

પેટ્રોલ-ડીઝલ અને રાંધણગેસના ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચેલા ભાવને કારણે વધી રહેલ મોંઘવારીને ડામવામાં સરકાર નિષ્ફળ રહી છે ત્યારે રાજ્યની જનતાને રાહત આપવા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર દેશમાં વસુલવામાં આવતી સૌથી વધુ એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરવા તેમજ પેટ્રોલિયમ પેદાશોનો જીએસટીમાં સમાવેશ કરવા બાબતની ચર્ચા માટે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]