મોરારીબાપુએ ભવન્સમાં ક. મા. મુનશીની પ્રતિમાનું અનાવરણ કર્યું

અમદાવાદઃ પ્રખ્યાત રામકથાકાર સંત મોરારીબાપુએ શુક્રવારે ભારતીય વિદ્યા ભવન (ભવન્સ કોલેજ) અમદાવાદમાં ભારતીય વિદ્યા ભવનના સ્થાપક કનૈયાલાલ મુનશીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. એ સાથે જ કેમ્પસમાં નવનિર્મિત કાન્તિ ભટ્ટ સ્મારક અને વાચનાલયમાં કાન્તિભાઈ લિખિત 16,000 જેટલા લેખોના ડિજિટલ સંગ્રહનું ઉદ્‍ઘાટન પણ કર્યું હતું. ભવન્સ કેમ્પસસ્થિત હરિલાલ ભગવતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટની વેબસાઇટ મારફતે વાચકો માટે ઉપલબ્ધ રહેશે. કાન્તિ ભટ્ટ સ્મારક અને રીડિંગ રૂમ

જાણીતા ગુજરાતી પત્રકાર, તંત્રી, લેખક અને કટારલેખક સ્વ. કાન્તિ ભટ્ટની સ્મૃતિમાં આ એક જીવંત સ્મારક છે, જ્યાં તેમણે લખેલા 16,000 જેટલા પ્રકાશિત લેખો કટિંગ્સ (ફિઝિકલ આર્કાઇવ્ઝ) તેમ જ ડિજિટલ સ્વરૂપે સચવાયેલા છે.

એચબીઆઇસીએમની વેબસાઇટ www.hbicm.in મારફતે વાચકો તેને માણી શકે છે. લેખોને વિષયવાર, કોલમવાર, પ્રકાશનવાર તેમ જ તારીખ વાર વર્ગીકરણ કરવાની પ્રક્રિયા ચાલે છે. કાન્તિભાઈનાં પત્ની અને જાણીતા પત્રકાર શીલા ભટ્ટ અને ભવન્સનો આ સંયુક્ત પ્રોજેક્ટ છે અને કોઈ ગુજરાતી પત્રકાર માટેનું  આવું પ્રથમ સ્મારક છે.