IRMAની PGDM (RM) બેચને 100 ટકા પ્લેસમેન્ટ પ્રાપ્ત થયું

આણંદઃ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રુરલ મેનેજમેન્ટ-આણંદ (IRMA)એ તેની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (રૂરલ મેનેજમેન્ટ) – PGDM (RM) પ્રોગ્રામની 42મી આઉટગોઇંગ બેચ માટેની કેમ્પસ પ્લેસમેન્ટ પ્રક્રિયા હાલમાં જ પૂરી કરી લીધી છે. IRMA એ જાહેર કરીને ખૂબ જ ગર્વ અનુભવે છે કે, તેની વર્ષ 2021-2023ની બેચને 100% પ્લેસમેન્ટ મળ્યું છે.

પ્લેસમેન્ટની પ્રક્રિયા દરમિયાન વાર્ષિક 26.5 લાખનું સર્વોચ્ચ પેકેજ આપવામાં આવ્યું હતું. આ બેચમાં રિક્રૂટરો દ્વારા આપવામાં આવેલું એકંદર સરેરાશ પેકેજ વાર્ષિક રૂ. 15.5 લાખનું હતું, જે વર્ષ 2022ની બેચથી ઘણું વધારે છે. તો મધ્યક CTC વાર્ષિક રૂ. 15 લાખ જળવાઈ રહ્યો છે, જેમાં સૌથી ઓછું CTC વાર્ષિક રૂ. 08.5 લાખ હતું. આથી વિશેષ વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત સંગઠનો તરફથી 36 પ્રી-પ્લેસમેન્ટ ઓફરો પ્રાપ્ત થઈ હતી.

પ્લેસમેન્ટની પ્રક્રિયા ખૂબ જ ફળદાયી સાબિત થઈ હોવાથી IRMAના ડિરેક્ટર ડો. ઉમાકાંત દાસે અત્યંત આનંદ અને ગર્વની લાગણી રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2021-2023ની PGDM (RM) બેચે વૈશ્વિક મહામારીની વચ્ચે તેનું શૈક્ષણિક કાર્ય શરૂ કર્યું હતું અને તે એક સ્થિતિસ્થાપક ગ્રુપ સાબિત થયું છે, હું વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્યદેખાવ બદલ અભિનંદન પાઠવું છું અને તેમના ભાવિ પ્રયાસો માટે શુભાશિષ આપું છું.

બેંકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિઝ અને ઇન્શ્યોરન્સ (BFSI) ઇન્ડસ્ટ્રી વર્ષ 2021-2023ની બેચની મુખ્ય રિક્રૂટર જળવાઈ રહી છે, કારણ કે કુલ વિદ્યાર્થીઓમાંથી 42 ટકા વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં પ્લેસમેન્ટ પ્રાપ્ત થયું છે.

આ વર્ષની પ્લેસમેન્ટ પ્રક્રિયામાં સામેલ થયેલા મુખ્ય રિક્રૂટરોમાં ફ્લિપકાર્ટ, ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (GCMMF), એચડીએફસી બેંક, આઇસીઆઇસીઆઇ બેંક, નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB), સર્વ ગ્રામ ફિનકેર પ્રાઇવેટ લિમિટેડ, એક્સિસ બેંક, રિલાયન્સ રીટેઇલ, વેદાંતા સીએસઆર, યુબી, મોર રીટેઇલ, આઇડીએફસી ફર્સ્ટ બેંક, મહિન્દ્રા હોમ ફાઇનાન્સ, મધર ડેરી, ગ્રાન્ટ થોર્નટન ભારત એલએલપી, આઇટીસી લિમિટેડ, અર્નેસ્ટ એન્ડ યંગ, પીડબ્લ્યુસી, ડાબર, ડીસીએમ શ્રીરામ, ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, પિક્સુએટ, બેંકર્સ ડઝન, ધી ડિજિટલ ફિફ્થ, ડ્રૂલ્સ પેટ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ, ફારમાર્ટ, ખૈબર એગ્રો, અમૂલ, મેકડોનાલ્ડ્સ, આરબીઆઇ ઇનોવેશન હબ અને રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટિંગનો સમાવેશ થાય છે.