રાજ્યમાં અમૂલે દૂધની કિંમતોમાં રૂ. બેનો વધારો કર્યો

આણંદઃ અમૂલે રાજ્યના કેટલાક ભાગોમાં તાજા દૂધ મોંઘું કર્યું છે. આજથી  વધેલી કિંમતો લાગુ થઈ ગઈ છે. અમૂલે એક લિટરે રૂ. બે વધારવામાં આવી છે, જે MRPના આશરે 3-4 ટકા છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ. (GCMMF)એ એની માહિતી આપી હતી. ફેડરેશનના જણાવ્યા મુજબ રાજ્યના અમદાવાદ અને સૌરાષ્ટ્ર-કચ્છના બજારોમાં કિંમતો વધારી છે, જે આજથી લાગુ પડશે.

અમૂલ દૂધના ભાવમાં છ મહિનામાં બીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. અમૂલની  તાજા, શક્તિ, ટી સ્પેશ્યલ, કાઉ મિલ્ક, ચા મઝા, સ્લીમ એન્ડ સ્ટ્રીમ, એ2 ગાયનું મિલ્ક, બફેલો મિલ્ક સહિતની બ્રાંડમાં સીધા બે રૂપિયાનો વધારો કરી દેવામાં આવ્યો છે.

હવે નવા ભાવવધારા સાથે અમૂલ ગોલ્ડ હવે પ્રતિ લિટર રૂ. 64, અમૂલ શક્તિ રૂ. 58 પ્રતિ લિટર અને અમૂલ તાઝા રૂ. 52 પ્રતિ લિટરના ભાવે વેચાશે. આ સાથે બફેલો દૂધના ભાવમાં પ્રતિ લીટરે રૂ.4નો વધારો કરવામાં આવ્યો છે. જે હવે રૂ. 34 પ્રતિ 500 મિ.લીના કિંમતને વેચાશે. અમૂલ ટી સ્પેશિયલ પણ હવે રૂ.29ના બદલે રૂ.30  (500 મિલી)માં વેચાશે. અમૂલ ડીટીએમ (સ્લીમ અને ટ્રીમ) દૂધ પણ રૂ.22થી વધીને રૂ.23 (500 મિલી) થઈ ગયું છે.

બીજી તરફ ગઈ કાલે અમૂલ ડેરી દ્વારા દૂધ ખરીદીમાં પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.20નો ભાવવધારો ચૂકવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એટલે હવે પશુપાલકોને પ્રતિ કિલો ફેટે રૂ.800થી વધીને રૂ.820 ચૂકવવામાં આવશે. આ સાથે દૂધ ભરતા સભાસદોને અકસ્માત વીમો પણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી.