ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામી રહ્યો છે. હવામાન વિભાગે પણ રાજ્યમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાવાની શક્યતા વ્યક્ત કરી છે. વડોદરા અને જામનગરમાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ હવે ભરૂચના વાલિયામાં મેઘ તાંડવ જોવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે સૌથી વધુ 6 ઇંચ વરસાદ ભરૂચના વાલિયામાં ખાબક્યો હતો, છેલ્લા 18 કલાકમાં વાલિયામાં 18 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે.
આ ઉપરાંત ગત 24 કલાકમાં રાજ્યના 198 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં નેત્રંગમાં 5 ઇંચ, વલસાડ અને ઉમરપાડામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત 3 તાલુકામાં 100 મીમી કરતાં વધુ, 15 તાલુકામાં 50 મીમી કરતાં વધુ જ્યારે 179 તાલુકામાં 50 મીમી કરતાં ઓછો વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગની આગાહી
ભારતીય હવામાન વિભાગે આજે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે છોટાઉદેપુર, નર્મદા અને સુરતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું, તો બીજી તરફ બનાસકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ અને ડાંગમાં યલો એલર્ટ અને અમદાવાદ સહિતના જીલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો બીજી બાજું ગુજરાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, બીજી એક સિસ્ટમ બંગાળની ખાડીમાં સર્જાશે. તેના કારણે ગુજરાતના વિવિધ ભાગોમાં ત્રીજી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર સુધીમાં વરસાદ થવાની શક્યતા રહેશે. બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો બનતી જશે જે બાદમાં લો પ્રેશર, ડિપ ડિપ્રેશનમાં બનતા જશે. છઠ્ઠી સપ્ટેમ્બરથી 11મી સપ્ટેમ્બર વચ્ચે લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના છે.