ડાંગ: વરસાદને પગલે ગીરાધોધનો અદભૂત નજારો, પ્રવાસીઓ રાજીરાજી

ડાંગ- વર્ષાનું ધમાકેદાર આગમન થઈ ગયું છે ને દક્ષિણ ગુજરાતને એણે સૌથી વધુ વહાલું કર્યું છે. ડાંગ-ધરમપુર-વલસાડમાં પડેલા ધોધમાર વરસાદને પગલે ત્યાંની કુદરત સોળે કળાએ ખીલી ઊઠી છે, ડુંગરા લીલપની ચાદર પહેરીને રળિયામણ બન્યાં છે તો નદીઓ-ધોધ પૂરબહારે છલકાઈ રહ્યાં છે.

ડાંગ જિલ્લામાં ઘણા ધોધ આવેલા છે. પરંતુ ચોમાસાની સીઝનમાં સહેલાણીઓ ડાંગ જિલ્લાના સાપુતારા જતા વઘઇ તાલુકામાં આવેલ ગીરાધોધની સુંદરતા અચૂક માણતા હોઈ છે.

છેલ્લા ઘણા દિવસથી ડાંગ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ડાંગ જિલ્લામાંથી પસાર થતી અંબિકા નદી પર આવેલા ગીરાધોધને જોવા માટે સહેલાણીઓ ઉમટી પડ્યા હતા. પ્રકૃતિની મોઝ માણવા નીકળેલા સહેલાણીઓ ગીરાધોધની મુલાકાત લઈ કૂદરતના ખોળામાં આવ્યાનો અનુભવ કરતા હોય છે.

ડાંગ જિલ્લામાં સહેલાણીઓ જંગલ અને ધોધ જોવા માટે આવતા હોય છે ત્યારે ચોમાસાની સીઝનમાં ડાંગ જિલ્લાની વાત કઈક અનેરી જ હોઈ છે. ગીરાધોધ તો જાણે સોળેકળાએ ખીલી જતો હોય છે. છેલ્લા ઘણા દિવસોથી ડાંગ જિલ્લામાં વરસી રહેલા વરસાદને પગલે અંબિકા નદીમાં પાણીની આવક થતા ગીરાધોધની સુંદરતાને નિહાળવા સહેલાણીઓ ઉમટી પડ્યા હતા.