રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહીઃ 135 તાલુકાઓમાં વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી ચોમાસું સક્રિય થયું છે. હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે રાજ્યમાં  અનેક વિસ્તારોમાં વરસાદ પડયો છે. જેથી ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યના દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ વરસવાની વકી છે.

રાજ્યમાં અમદાવાદ, અરવલ્લી, આણંદ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. આ સાથે વીજળીના કડાકા સાથે 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન છે જેથી આગામી 24 કલાકમાં લો પ્રેશર બનવાની શક્યતાઓ છે. જેથી રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ છે,રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 135 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જનમાષ્ટમીના દિવસે સૌથી વધુ ડાંગના વઘઇમાં 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ સાથે સુરતના ઉમરપાડામાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં 48 કલાક માટે ભારે વરસાદની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં નર્મદા, ડાંગ, નવસારી, દમણ, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ સાથે ડાંગના આહવામાં 2.92 ઇંચ, સુબીરમાં 2.71, વલસાડના કપરાડામાં 2.48 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત તાપીના સોનગઢ અને ખેડાના કઠલાલમાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે.

વલસાડ તેમ જ આસપાસના વિસ્તારમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. જિલ્લામાં તમામ તાલુકાઓમાં સરેરાશ બેથી ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક અભિમન્યુ રાજ્યમાં કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.