અમદાવાદઃ હવામાન વિભાગે રાજ્યમાં પાંચ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદ વરસશે. આમાં પણ સાત-આઠ ઓગસ્ટે રાજ્યમાં અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. આ સમયગાળામાં ડાંગ, તાપી, છોટા ઉદેપુર અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડશે. અમદાવાદમાંપણ આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડવાની વકી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી છે. અમદાવાદ ઉપરાંત ગાંધીનગર, પાટણ, મહેસાણા અને બનાસકાંઠામાં પણ ભારે વરસાદ પડે એવી શક્યતા છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, ગીર-સોમનાથ, જૂનાગઢમાં અને દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં ગયા મહિને થયેલા ભારે વરસાદ બાદ વરસાદે વિરામ લીધો હતો હતો, પરંતુ આગામી દિવસોમાં ફરી એક વાર ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 જિલ્લામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ અમરેલી જિલ્લાના વિડયામાં 57 એમએમ પડ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 71.10 ટકા વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં 118.12 ટકા ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં 58.05 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 58.05 ટકા, સૌરાષ્ટ્રમાં 62.56 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 83.57 ટકા વરસાદ પડ્યો છે.