અમદાવાદઃ કોરોના સામે વિશ્વ આખુ ઝઝુમી રહ્યું છે. ભારતમાં પણ 3 મે સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ભારતના કેટલાય રાજ્યોના હોટસ્પોટ વિસ્તારોમાં ત્યાંની સરકાર દ્વારા કર્ફ્યુની જાહેરત કરવામાં આવી છે.
ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ સહિત અન્ય કેટલાક શહેરોના હોટસ્પોટ વિસ્તારમાં કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા કોરોનાની સ્થિતિને લઈને અનેક પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ત્યારે આજે સાબરમતી જેલમાં એક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. કોરોનાવાયરસના સંક્રમણની અસરથી અમદાવાદ મધ્યસ્થ જેલમાં રહેલા કેદીઓને મુક્ત રાખવા માટે રાજ્ય સરકાર તરફથી તથા અધિક પોલીસ મહાનિર્દેશક જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી ગુજરાત રાજ્ય અમદાવાદ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ અને માર્ગદર્શન તેમજ એસ.ઓ.પી મુજબ અમદાવાદ સાબરમતી મધ્યસ્થ જેલમાં કેદીઓ અને જેલના તમામ સ્ટાફને સંક્રમણ ના થાય તેની તકેદારીના ભાગરૂપે પગલાં ભરવામાં આવ્યા છે. આ મોકડ્રિલ સમયે સાબરમતી મધ્યસ્થ જેલ અધિક્ષક ડૉ. એમ. કે નાયક , નાયબ અધિક્ષક વી. આર. પટેલ અને નાયબ અધિક્ષક ડી.વી. રાણા, જેલ ડોક્ટર વી. આઈ. પટેલ ,ચીફ મેડિકલ ઓફિસર તથા ડેપ્યુટી મેડીકલ ઓફિસર એન. કે. પટેલ તેમજ અન્ય પેરામેડિકલ સ્ટાફ તેમજ ફાર્મસીસ્ટ સ્ટાફ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.