માઇકાએ સરેરાશ પેકેજમાં 35 ટકાના વધારા સાથે 100 ટકા પ્લેસમેન્ટ કર્યું

અમદાવાદઃ દેશની વ્યૂહાત્મક માર્કેટિંગ અને કોમ્યુનિકેશન્સ માટેની પ્રીમિયર ઇન્સ્ટિટ્યૂટ માઇકા-અમદાવાદ છે. સંસ્થાએ તેના મુખ્ય PGDM-કોમ્યુનિકેશન પ્રોગ્રામની 27મી બેચ માટે 35 ટકાના સરેરાશ પેકેજના વધારા સાથે 100 ટકા પ્લેસમેન્ટ કર્યું છે. વળી, કંપનીએ સ્થાનિક કુલ પેકેજ પ્રતિ વર્ષ રૂ. 57.51 લાખ (CTC)માં 16 ટકાનો વધારો દર્શાવ્યો છે, જ્યારે સરેરાશ CTCને રૂ. 14 લાખથી વધારીને રૂ. 19 લાખનું પેકેજ અપાવ્યું છે. આ સાથે ટોચના 50 ટકા વિદ્યાર્થીઓ માટે રૂ. 24.15 લાખનું સરેરાશ CTC પેકેજ હતું. વળી, આ વખતે પ્લેસમેન્ટ પ્રક્રિયામાં નવા રિક્રૂટર્સ (નોકરીદાતા)ની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે.

માઇકાની 77 કંપનીઓ સાથે ભાગીદારી છે અને કંપનીઓએ કેમ્પસ પ્લેસમેન્ટ પ્રક્રિયામાં 208 વિદ્યાર્થીઓની નિમણૂક કરી હતી. આ 208 વિદ્યાર્થીઓમાં 45 ટકા યુવકો અને 55 ટકા યુવતી હતી, જેમાં 46.5 ટકા એન્જિનિયર્સ, 17.2 ટકા મેનેજમેન્ટ, 16.7 ટકા કોમર્સ ગ્રેજ્યુએટ, 10.7 ટકા સાયન્સ અને 8.8 ટકા આર્ટ્સ અને ડિઝાઇનના વિદ્યાર્થી હતા. આ ઉપરાંત IT અને IT સંબંધિત ક્ષેત્રમાં 94 ઓફર્સ, એનાલિટિક્સ એન્ડ કન્સલ્ટિંગસ મિડિયા અને એડવર્ટાઇઝિંગની 27 ઓફર્સ અને 25 ઓફર્સ FMCG ક્ષેત્રમાંથી હતી.

કંપનીના પ્રમુખ અને ડિરેક્ટર ડો. શૈલેન્દ્ર રાજ મહેતાએ કહ્યું હતું કે આ પ્લેસમેન્ટ કોરોના રોગચાળાની બીજી લહેર પછીની ભારતીય અર્થતંત્રમાં થયેલી રિકવરી દર્શાવે છે. અમારા સરેરાશ CTC પેકેજમાં વધારો થયો છે અને અમારા વિદ્યાર્થીઓમાં સંશોધન અને રચનાત્મક સોલ્યુશન્સ લાવવાની ક્ષમતા વધારો થયાનું દર્શાવે છે, જે કંપની માટેની યોગ્યતા પુરવાર કરે છે, જ્યારે કોર્પોરેટ અને એલ્યુમની રિલેશન્સના વડા મધુ મોહને જણાવ્યું હતું કે B-સ્કૂલોમાંથી પ્લેસમેન્ટ સીઝન ઘણી પ્રોત્સાહક રહી છે અને પારંપરિક નોકરીઓને ડિજિટલ નોકરીઓમાં તબદિલ કરી છે.