ગુજરાતમાં બુધવારે મોડી રાતથી રાજ્યભરમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો હતો, અને હવે ગુરુવારે (29 મે, 2025) પણ મેઘરાજા ખમૈયા કરવાના મૂડમાં નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યના 21 જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે, જેમાં મધ્યમથી હળવો વરસાદ નોંધાશે. જૂનના પ્રથમ અઠવાડિયામાં પણ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 29 મેના રોજ સાંજે 8:30 સુધી બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને ભરૂચમાં મધ્યમ વરસાદની આગાહી છે. પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને ભાવનગરમાં હળવો વરસાદ થશે, જ્યારે અમરેલીમાં છૂટાછવાયા ધીમા વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં, 30 મેના રોજ મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં હળવાથી મધ્યમ વરસાદ નોંધાશે.
31 મે અને 1 જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. 2-3 જૂનના રોજ સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેમ કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, નર્મદા, વલસાડ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. નાગરિકોને પાણી ભરાવા અને વાહનવ્યવહારમાં સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
