રાજ્યના લગભગ 70% વિસ્તારમાં ચોમાસું પ્રસરી ગયું છે. અને ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં મેઘ રાજ મન મુકી વરસી રહ્યા છે. ત્યારે મંગળવાર સાંજ સુધીની વાત કરીએ તો 24 કલાકમાં 153 તાલુકામાં વરસાદ નોંધવામાં આવ્યો હતો. આજે ચોમાસું મુંદ્રાથી લઇને મહેસાણા સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ કેટલાક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી સાત દિવસની આગાહી વ્યક્ત કરી છે. હવમાન વિભાગે મંગળવાર માટે પંચમહાલ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. એટલે કે પંચમહાલ અને વડોદરા ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો બીજી બાજુ અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતી કાલની વાત કરીએ તો, આવતી કાલે આણંદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદનું પૂર્વાનુમાન છે. આ સાથે સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વધુમાં હવામાન વિભાગે આખા રાજ્યમાં ગાજવીજ થવાની શક્યતા વ્યક્ત કરી છે. ગુરૂવારે પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યુ છે કે, શુક્રવારે એટલે કે, 28મી જૂનના રોજ આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદ થશે. આ સાથે આ તમામ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. શનિવાર માટે હવામાન વિભાગે જણાવ્યુ છે કે, સુરત, ડાંગ, નવસારી. દમણ, દાદરા નગરી હવેલીમાં ભારે વરસાદ થશે. 30મી તારીખે પણ આખા રાજ્યમાં ગાજવીજ સાથા વરસાદની આગાહી આપવામાં આવી છે. પહેલી જુલાઇના રોજ પણ આખા ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા બે દિવસ દક્ષિણ ગુજરાતનો દરિયો ન ખેડવા માટે માછીમારોને સૂચન આપવામાં આવ્યું છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 35થી 45 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે આ સાથે પવનની મહત્તમ 55 કિમી પ્રતિકલાકની ઝડપે ફૂ્ંકાઇ શકે છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, આજે મધ્યગુજરાતમાં સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.