ગુજરાતમાં એક બાજું ગરમી જોર વધ્યું છે, જ્યાં અમદવાદમાં સતત બીજા દિવસે 36 ડિગ્રી પાર તાપમાન નોંધાયુ છે. ત્યારે બીજી બાજું રાજ્યમાં ધીમે ધીમે ફરી ચોમાસુ જામતું જોવા મળી રહ્યું છે. હજુ આગામી બે દિવસ અમદાવાદનું તાપમાન 36 ડિગ્રીની આસપાસ જ રહે તેવી સંભાવના સેવાય રહી છે.
અમદાવાદમાં 36.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.7 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. અગાઉ સોમવારે અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન 36.1 ડિગ્રી હતું. અમદાવાદમાં 3 વર્ષ બાદ તાપમાન 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ અગાઉ 2021માં 36 ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના અનુમાન અનુસાર આગામી 25મી સુધી અમદાવાદમાં વરસાદની સંભાવના નહિવત્ છે. આગાહી અનુસાર ગુરુવારે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં વધતા તાપમાન વચ્ચે આજે સવારે 6 વાગ્યા સુધીની મળતી માહિતી અનુસાર, રાજ્યમાં 24 કલાકમાં 97 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડાંગમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ડાંગ ઉપરાંત નવસારી, સુરત, ભરૂચ અને અમરેલીમાં પણ મેઘરાજાએ હાજરી નોંધાવી છે. રાજ્યમાં હજી પણ કેટલાક જિલ્લાઓમાં વરસાદની ઘટ વરતાઈ રહી છે ત્યારે મેઘરાજા મનમૂકીને વરસે અને ઘટ પુરાઈ તેવી લોકો અને ધરતીપુત્રો પ્રાર્થના કરી રહ્યા છે. રાજ્યમાં સિઝનનો એવરેજ 73.75 ટકા વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે, 21 ઓગસ્ટથી દક્ષિણ ગુજરાતમાં એક સિસ્ટમ સક્રિય થવાની છે. જેને કારણે વરસાદી માહોલ સર્જાશે. જોકે, ગઈકાલથી જ દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રવાસીઓને વરસાદનો અનુભવ થયો છે.