સરકારી હોય કે ખાનગી હોસ્પિટલ, 48 કલાકમાં સારવાર, ખર્ચ ઉઠાવશે સરકાર

ગાંધીનગરઃ નાયબ સીએમ નિતીન પટેલે અકસ્માતમાં પ્રથમ 48 કલાકમાં કોઇપણ હોસ્પિટલમાં સારવાર મળી રહે તે માટે મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો હતો. અકસ્માતમાં થતાં મોતની સંખ્યા ઘટાડવાના હેતુથી, અકસ્માતગ્રસ્તને તરત સારવાર મળે તે જરુરી હોય છે. જે માટે અકસ્માતના પ્રથમ 48 કલાકમાં સરકારી હોય કે ખાનગી હોસ્પિટલ, તરત સારવાર કરાવવા માટેનો ખર્ચ સરકાર ઉઠાવશે. સરકાર દ્વારા કુલ 50 હજાર રુપિયા સુધીની મર્યાદામાં મદદ કરવામાં આવશે.

ગુજરાત, ગુજરાત બહારના કે અન્ય રાષ્ટ્રના કોઇપણ નાગરિક હોય, પરંતુ અકસ્માત ગુજરાતના કોઇપણ છેડે થયો હોય તો પણ, નજીકના સ્થળે દર્દીને રાજ્યની તમામ સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં નિ:શુલ્ક સારવાર પુરી પડાશે.

અકસ્માત દરમ્યાન ઇજાગ્રસ્ત લોકો ઝડપથી કોઇપણ ખાનગી સહિતની કોઇપણ હોસ્પિટલમાં સારવાર લેશે તો પ્રથમ ૪૮ કલાક દરમ્યાન ઇજાગ્રસ્તનું ડ્રેસીંગ, સ્ટેબીલાઇઝેશન, ફ્રેક્ચર સ્ટેબીલાઇઝેશન, શોકની પરિસ્થિતિની સારવાર, એક્સ-રે ઇજાના ઓપરેશનો, સીટી સ્કેન, એમ.આર.આઇ., અલ્ટ્રા સાઉન્ડ, બ્લડ ટ્રાન્સ્ફ્યુઝન, માથાની ઇજાની સારવાર અને ઓપરેશન, ICU માં સારવાર પેટ અને પેઢુની ઇજાઓ જેવી તમામ પ્રકારની સારવાર માટેનો તમામ ખર્ચ જે તે હોસ્પિટલોને સીધે-સીધો રાજ્ય સરકાર દ્વારા ચુકવાશે. જેથી કોઇ ગરીબ કે મધ્યમ વર્ગનો ઇજાગ્રસ્ત દર્દી સારવારના અભાવે જીવન ન ગુમાવે તેવો મહત્વનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો છે.

અકસ્માતનો ભોગ બનનાર દર્દીને નજીકની કોઇપણ ખાનગી હોસ્પિટલ, જિલ્લા-તાલુકા હોસ્પિટલો, મેડીકલ કોલેજ-હોસ્પિટલો અથવા કોઇપણ અન્ય જાહેર કે ખાનગી હોસ્પિટલોમાં આ સેવાઓ પુરી પડાશે. અસરગ્રસ્ત દર્દીઓએ પ્રાથમિક સારવાર પેટે કોઇ નાણા ચુકવવાના રહેશે નહી ખાનગી હોસ્પિટલોએ પ્રથમ ૪૮ કલાકની સારવાર પેટે દર્દી પાસેથી કોઇ નાણા લેવાના રહેશે નહી. ખાનગી હોસ્પિટલોએ કરેલ સારવાર અંગેના ખર્ચનું બીલ સંબંધિત જિલ્લાના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી/તબીબી અધિક્ષકને રજુ કરવાનું રહેશે તેમજ ખાનગી હોસ્પિટલને બીલની ખરેખર રકમ અથવા રૂ.૫૦,૦૦૦/- બંનેમાંથી જે રકમ ઓછી હશે તે મળવાપાત્ર થશે.