અમદાવાદઃ દેશના અનેક વિસ્તારોમાંથી અમદાવાદમાં અનેક લોકો નોકરી ધંધા અર્થે આવે છે. અને રોજગારી મેળવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. પરંતુ અત્યારે કોરોના વાયરસની મહામારીના કારણે દેશ આખો લોકડાઉન છે. આવા સમયમાં રોજ કમાઈને પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. આ લોકો કંઈ એટલા સક્ષમ લોકો નથી કે જેમની પાસે બેંક બેલેન્સ કે સેવિંગ હોય કે જેનાથી તેઓ આ કપરા સમયમાં પોતાના પરિવારને પાળી શકે.
આવા અનેક શ્રમજીવી પરિવારોની હાલત અત્યંત દયનીય બની ગઇ છે. જેમાં અમરાઈવાડીના જનતાનગર વિસ્તારમાં ટોરેન્ટ પાવરની સામે આવેલા એસ્ટેટમા ૧૦૦ જેટલા શ્રમિકો વસવાટ કરે છે. તેઓને ભોજનની જરૂરિયાત ઊભી થતાં અમદાવાદના સાંસદ ડો.કિરીટ સોલંકીની કોરોના વાયરસ ભોજન હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરીને ભોજનની માગણી કરી હતી. શ્રમિકોની વિગતો તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્ર સુધી મળતા તંત્રની ટીમ દ્વારા સ્થળ પર પહોંચીને શ્રમજીવી પરિવારોને તાત્કાલિક ભોજનની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.