ચાંગોદરના પરપ્રાંતીય શ્રમિકોની મદદે હેલ્પલાઇન

અમદાવાદઃ રાજ્યમાં કોરોના પોતાનો કાળો કેર વર્તાવી રહ્યો છે. સતત કેસો વધતા જઈ રહ્યા છે. આ ખરેખર ગંભીર ચિંતાનો વિષય છે. લોકડાઉનના કારણે રોજ કમાઈને રોજ ખાતા કેટલાય લોકોને બે ટંકના ભોજન માટે અત્યારે કોઈના મોહતાજ થવું પડી રહ્યું છે. આ લોકોએ એવા છે કે જેઓ કાળી મજૂરી કરીને પોતના પરિવારનું પાલન કરે છે. ત્યારે આ લોકો અત્યારે બે ટંકના ભોજન માટે તકલીફ ભોગવી રહ્યા છે. પરંતુ આ લોકોની વ્હારે પણ સમાજના કેટલાક સેવાભાવી લોકો અને તંત્ર આવે છે. ઔધોગિક વિસ્તાર તરીકે રાત દિવસ ધમધમતા વિસ્તાર એવા સરખેજથી શરૂ કરીને બાવળા અને સાણંદ તાલુકાના અનેક ગામોમા નાની મોટી અનેક ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે જેમાં રાજ્ય અને રાજ્ય બહારથી આવેલા અનેક પરપ્રાંતીય લોકો અહી અમદાવાદ ખાતે નોકરી-ધંધા અર્થે આવે છે. અને રોજગારી મેળવીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

અત્યારે કોરોના વાયરસની વૈશ્વિક મહામારી દરમિયાન લોકડાઉનની પરિસ્થિતિમાં ધંધા-રોજગાર સદંતર બંધ થઈ ગયા હોવાથી આવા અનેક શ્રમજીવી પરિવારોની હાલત અત્યંત દયનીય બની ગઇ છે. જેમાં સાણંદ તાલુકાના ચાંગોદરમાં ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં નવ જેટલા શ્રમિકો જે અહી જ વસવાટ કરે છે. તેઓને ભોજન અને રાશનની જરૂરિયાત ઊભી થતાં ફેકટરીમાં જ કામ કરતા એક વ્યક્તિએ શ્રમિક અંકુરસિંહને અમદાવાદના સાંસદ ડો.કિરીટ સોલંકીની કોરોના વાયરસ ભોજન હેલ્પલાઇન નંબર વિશે માહિતી આપી.

અંકુર સિંહે જાણકારી મળતા આપેલ નંબર પર સંપર્ક કરીને ભોજન અને રાશન કીટની માગણી કરી હતી. અને કહ્યું હતું કે “સાહેબ અમારી ફેકટરી મા હાલ કામ બંધ છે.અમે ગુજરાતના નથી, અમે બધા લોકો બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીના છીએ અને અહી છેલ્લા ત્રણ વર્ષથી રોજગારી અર્થે સ્થાયી થયા છીએ. અમારી પાસે રાશન કાર્ડ નથી તો શું અમને રાશન મળશે? અમારી પાસે અત્યારે ભોજન અને રાશન કઈ જ નથી. અમારો પરીવાર ભૂખ્યો છે”

પરપ્રાંતીય શ્રમિકોની વિગતો મળતા જ હેલ્પ લાઈનના ઇન્ચાર્જ ચિરાગભાઈ શ્રીમાળીએ તાત્કાલિક જિલ્લા વહીવટીતંત્ર સુધી આ વિગતો પહોંચાડતા જ શ્રમજીવી પરિવારોને તાત્કાલિક રાશન જેમાં ઘઉં, ચોખા, ચા, ખાંડ, તેલ, હળદર મરચું, મીઠું જેવી અનેક ખાધ સામગ્રીની કીટ હાથોહાથ પૂરી પાડવામાં આવી હતી.