મેયરનું AMTS, BRTSમાં રસી મુદ્દે ‘અભી બોલા અભી ફોક’

અમદાવાદઃ અમદાવાદમાં AMTS, BRTSમાં મુસાફરી કરનારે ફરજિયાત રસી લેવાને મામલે મેયરે ફેરવી તોળ્યું છે. શહેરમાં પ્રતિ દિન એક લાખ લોકોને રસી આપવાનો લક્ષ્યાંક પૂરો નહીં થતાં કોર્પોરેશન દ્વારા લોકોને ફરજિયાત રસી લેવા માટે નવા નિયમો (તઘલખી) બનાવવામાં આવી રહ્યા છે. AMCની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અને AMTSના ચેરમેન વલ્લભભાઈ પટેલ અને ચૂંટાયેલી સમિતિએ નિર્ણય લીધો છે કે AMTS અને BRTS બસમાં મુસાફરી કરનારા લોકોએ રસી લીધી છે કે કેમ તેની કોર્પોરેશન દ્વારા તપાસ કરવામાં આવશે. એ પહેલાં મેયર કિરીટ પરમારે ફરજિયાત રસી લેવી પડશે તેવી જાહેરાત કરી હતી, પણ તેમણે ફેરવી તોળ્યું હતું. તેમણે કહ્યું હતું કે મુસાફરે રસી લેવી ફરજિયાત નહીં, પણ તેઓ રસી લે એવી અપીલ કરવામાં આવશે.

ત્યાર બાદ મેયરે એવું કહ્યું હતું કે રસી લેવી મરજિયાત છે અને તેમણે લોકોને રસી લેવા માટે અપીલ કરી હતી. કોર્પોરેશનની પ્રેસ નોટમાં પણ ગોટાળો થયો હતો, જેમાં તેમણે જણાવ્યું કે મેયરે કહ્યું હતુ કે રસી ફરજિયાત નથી, પરંતુ રસી લેવાની અપીલ કરવામાં આવી છે.

કોર્પોરેશન દ્વારા રસીકરણ સેન્ટરની સંખ્યા વધારીને 400 કરવામાં આવી હતી.  કોર્પોરેશને પ્રતિદિન એક લાખ લોકોને રસી આપવાનો ટાર્ગેટ બનાવ્યો હતો. જોકે મંગળવારે ફકત 39, 541 લોકોનું રસીકરણ થયું હતું.