અમદાવાદઃ સાહિત્ય, શિક્ષણ અને ગ્રામપુનરુત્થાન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર પ્રતિભાઓ કે સંસ્થાઓને પુરસ્કારવાના હેતુથી રચાયેલા મનુભાઈ પંચોળી ‘દર્શક’ ફાઉન્ડેશનનો વર્ષ ૨૦૨૨નો વિવેચન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે લાભશંકરભાઈ પુરોહિતને સાહિત્ય એવોર્ડ અને શિક્ષણ માટે નવ દાયકાથી વિશિષ્ટ કાર્ય કરનાર ભાવનગરની ‘શિશુવિહાર’ સંસ્થાને શિક્ષણ એવોર્ડ અર્પણ કરવામાં આવશે. પિડિલાઇટ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મધુકરભાઈ બી. પારેખના અધ્યક્ષસ્થાને યોજાનાર આ કાર્યક્રમમાં પૂજ્ય મોરારીબાપુ આશીર્વચન આપશે. આ પ્રસંગે જાણીતા સાહિત્યકારો રઘુવીર ચૌધરી, પ્રકાશ ન. શાહ, મનસુખ સલ્લા તથા નીતિન વડગામા પ્રવચન આપશે. આ કાર્યક્રમ બીજી મેએ મંગળવાર સવારે 10 કલાકે સ્થળઃ- શિશુવિહાર, કૃષ્ણનગર, ભાવનગર-364 001માં યોજાશે.
લાભશંકર પુરોહિતના વ્યક્તિત્વમાં કે તેમની વાણીમાં ક્યાંય ઔપચારિકતાનો ઓછાયો જોવા ન મળે. બલકે સહજતા, સ્વાભિકતા અને પારદર્શિતાનો જ પડઘો પડે. તેમના લિખિત અને ઉચ્ચારિત શબ્દમાં હંમેશાં આત્મપ્રતીતિનો પ્રતિઘોષ સાંભળી શકાય છે. તેમની સજ્જતા અને વિદ્વત્તાનો લાભ અનેક કોલેજો, યુનિવર્સિટીઓ અને સાહિત્યિક સંસ્થાઓને મળતો રહ્યો છે. તેમણે રાજ્યની તમામ યુનિવર્સિટીઓ ઉપરાંત મુંબઈ અને SNDT યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રોફેસર અને નિમંત્રિત વક્તા તરીકે સેવાઓ આપી છે. અધ્યાપકોની ત્રણ-ત્રણ પેઢીઓ તેમની પાસેથી તૈયાર થઈ છે. વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓ આજે પણ પુરોહિતસાહેબને આદરપૂર્વક યાદ કરે છે તો સાહિત્યના અભ્યાસુઓ પણ લાભુદાદાને વાંચવા કે સાંભળવા એટલા જ ઉત્સુક હોય છે.
શિશુવિહાર શહેરની 314 આંગણવાડીના 8000 બાળકોને શિક્ષણ સાથે જોડવા છેલ્લાં 12 વર્ષથી બાલવાડી શિક્ષક તાલીમ અને સાધન સહાય આપે છે. આ ઉપરાંત સંસ્થા શિક્ષકો દ્વારા પસંદ કરવામાં આવેલાં 1700 બાળકોને સ્કૂલ કિટ આપી તેમના પરિવાર સાથે શિક્ષકોના માધ્યમથી સંપર્કમાં રહે છે.