સોમનાથઃ મહાશિવરાત્રી પર મહાદેવની ભક્તિમાં લીન થયા ભક્તો

નવી દિલ્હીઃ આજે મહાશિવરાત્રિનું મહાપર્વ છે. શિવમહાપુરાણમાં કહેવામાં આવ્યું છે કે શિવરાત્રિ ભગવાન શિવને ખૂબ પ્રિય છે. આજના દિવસે ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે.

સોમનાથ મંદિરમાં આજે સવારે ભગવાનના મંદિરના કપાટ ખૂલતાની સાથે લાખો લોકો હર-હર મહાદેવના નાદ સાથે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. અનેક લોકોએ નાની-મોટી પૂજા વિધિ લખાવી અને પોતાનું આ શ્રદ્ધા અને ભક્તિ રૂપી બિલ્વપત્ર મહાદેવને અર્પણ કરી રહ્યા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાંથી બીલીવન માટે વિકાસની વાત લઈને શ્રદ્ધાળુઓ આવ્યા છે. કોઈ આભૂષણો, કોઈ પાઘડીઓ, કોઈ ફળો ફૂલો લઈને ભગવાન શિવના શરણે આવ્યા છે. ઓરીસ્સાના મંડળે શિવ આરાધના કરી હતી. મહાદેવ ચરણોમાં પોતાની વસ્તુઓ અર્પણ કરવા ગઈકાલથી લોકોનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે. આજે પ્રાતઃ કાલે ચાર વાગે સોમનાથ મંદિર ખુલ્યું હતું જ્યાં આવતીકાલે રાત્રે 10:00 વાગ્યે ૪૨ કલાક સુધી અવિરત દર્શન ચાલુ રહેશે.

કેમેરા અને કોમ્પ્યુટરથી કાઉન્ટીંગ વ્યવસ્થા કરી કરવામાં આવી છે. પોલીસે દર વર્ષની જેમ ઉત્તમ બંદોબસ્ત કર્યો. દર્શન કરીને લોકોને પણ શાંતીથી પરત જઈ રહ્યા છે. યાત્રિકોની સુવિધા માટે ભંડારાની વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રસ્ટ તરફથી ભગવાનની મહાપૂજા અને ધ્વજાપુજન ટ્રસ્ટી સેક્રેટરી લહેરી સાહેબ દ્વારા કરવામાં આવ્યું મહોત્સવનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. દેવોના દેવ મહાદેવને પ્રાતઃ કાલે વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પત્ની અંજલી બહેન રૂપાણીએ પ્રાતઃઆરતી કરી હતી. આ પ્રસંગે તેઓનુ સન્માન કરવામાં આવ્યું હતું. ભગવાન સોમનાથ મહાદેવ નગરચર્યાએ નીકળ્યા હતા. ભગવાનને જોઈને ભક્તોએ બમ બમ અને હર હરના નાદ સાથે જગતના નાથના દર્શનનો લ્હાવો લીધો હતો.