ગરવા ગિરનારની ગોદમાં 9 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રિ મેળાનો થશે પ્રારંભ

જૂનાગઢ– આગામી તા.૯ ફેબ્રુઆરીથી તા.૧3 ફેબ્રુઆરી સુધી યોજાનાર મહા શિવરાત્રીના મેળામાં આવનાર લાખો યાત્રિકો માટે તળેટીમાં વિવિધ સુવિધા જળવાય રહે તે માટે તળેટીમાં મહાનગરપાલિકાની ઝોનલ ઓફિસમાં કલેકટર ડો. રાહુલ ગુપ્તાના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમાં કલેકટર ડો. રાહુલ ગુ્પ્તાએ મહાનગર પાલિકાના અધિકારીઓને મેળા દરમ્યાન તળેટીમાં સ્વચ્છતા જળવાય રહે તે માટે માઇક્રો પ્લાનીંગ કરી લેવા સુચના આપી હતી. પોલીસ વિભાગ દ્વારા પુરતો બંદોબસ્ત અને રવેડી દરમ્યાન શ્રધ્ધાળુઓને કોઇ અગવડતા ન પડે તેની તકેદારી રાખવા સુચના આપવામાં આવી હતી. મેળામાં આવનાર યાત્રીકને મેડીકલની ઇમરજન્સી સેવા મળી રહે તે માટે દવાખાના અને જરુરી દવા અને સાધનો તૈયાર રાખવા જણાવવામાં આવ્યું હતું.shiv_1મહાશિવરાત્રિના મેળા પર વિશેષ અહેવાલ

ગુજરાત અથવા દેશભરમાં ઉજવાતા ભાતીગળ મેળઓમાં કુંભનો મેળાની જેમ મહાદેવ ભોળાનાથના નામ (શિવ)સાથે જોડાયેલ શીવરાત્રીનો મેળો ગરવા ગિરનારની ગોદમાં યોજાય છે.  ગુજરાત પ્રદેશ અનેક ભાતીગળ સાંસ્‍કૃતિક અસ્‍મિતાની ધરોહર છે. વનથી જન સુધી અને ગામથી નગર સુધી પ્રત્‍યેક ભારતવાસી મેળાનાં માણીગર છે. મેળાનાં માધ્યમે સંસ્‍કારીતાની ધારા પ્રાંતે પ્રાંતમાં અવિરત વહેતી રહે છે. ભાષા, ધર્મ કે પ્રાંતના વાડાનાં સિમાડા ઓળંગીને એકમેકની સાથે આતપ્રોત થવાનો અનેરો મહિમા એટલે જ મેળો, મન મુકીને મહાલવાનો અનોખો અવસર એટલે મેળો, શિવરાત્રીનો મેળો એ તો હરી સાથે હર અને શિવ સાથે જીવનો સમન્યનો મેળો છે.  અહીં હિમાલયની ગુફાઓમાં ધ્યાન ધરતા સિધ્ધપુરૂષો, કાશ્મીરથી કન્‍યા કુમારી સુધી પગપાળા યાત્રા કરનારા પરિવ્રાજક(સન્‍યાસી)ઓ, અખાડાઓનાં સંતો મહંતોનાં દર્શન થાય છે. તેમની સાથે જો વાત કરવાની તક મળે તો ધ્યાનમાં આવે કે તેઓ જ્ઞાન અને અનુભવોનો સાક્ષાત હિમાલય છે. આટલી વિદ્વત્તા હોવા છતા નમ્રતા, પ્રીતિસભર દ્રષ્‍ટી સહુ કોઇને પોતાનામાં સમાવી લેનારા સાગર જેવડી વિશાળ હોય છે.shivayગુજરાત રાજયમાં કુલ નાના મોટા ૧૫૨૧ જેટલા મેળા ભરાય છે. તેમાં સૌરાષ્‍ટ્ર પ્રદેશમાં ભવનાથ, માધુપુર, તરણેતરનાં મેળા તો જગ મશહુર છે. તેમાંય ભવનાથ તો ભકિત-ભોજન અને ભજનનો મેળો, તરણેતર નર્તન અને રંગનો મેળો અને માધુપુરનો મેળો એટલે કિર્તન અને રૂપનો મેળો મનાય છે.

જૂનાગઢ જિલ્‍લામાં જ પરબ વાવડી ખાતે અષાઢી બીજનો મેળો, સતાધારનો મેળો, ભગવાન સોમનાથનાં દ્વાદશ જયોર્તિલીંગ ધામે કાર્તિકી પુનમે ભરાતો મેળો, લીલી પરિક્રમાનો કાર્તિકી એકાદશીનો મેળો, તુલશીશ્‍યામનો મેળો, ચોરવાડનો ઝુંડનો મેળો, ગુપ્‍તપ્રયાગનો મેળો વગેરે નાના અને મોટા મેળાઓ જૂનાગઢ અને આસપાસનાં પરગણામાં ભાતીગળ રીતે ભરાય છે.shiv_4જૂનાગઢ એટલે આમેય સંત શુરા અને સાવજની ભોમકા, અહીં જ કાઠીયાવાડનાં ખમિરવંતા ભોળા માનવે ભગવાનને ‘કાઠીયાવાડે કોક દી ભુલો પડ ભગવાન તને મોંધેરો કરૂ મહેમાન સ્‍વર્ગ ભુલાવુ શામળા’ ભોળા ભાવે ભુલો પડી પોતાનાં ઘરે આતિથ્‍યભાવે નોતરૂ આપી શકે છે. અહીં અજાણ્‍યાને મીઠો આવકારો અપાય છે. ભુખ્‍યાને ભોજન અને દુખીને સહાયની સરવાણી કાયમ વહેતી રહે છે. આથી જ સતદેવીદાસ અને અમરમાંના પરબ જેવા ધામે સેવા-સરવાણી વહી હશે. શેઠ શગાળશા જેવા શાહ, દાનબાપુ કે આપા ગીગા જેવા સંતનાં બેસણા આ જિલ્‍લામાં થયા હોય એવી ધરાનું કેન્‍દ્ર બીંદુ એટલે ગરવા ગીરનારની ગોદ એટલે શિવ અને જીવનો સંગમ, પ્રતિ વર્ષ કુંભ મેળાની નાની આવૃતિ રૂપે મેળો ભરાય છે.

શિવ સ્‍વંભુ અને પરબ્રહ્મ છે. એ અનાદી અને અનંત છે. અગ્નીસ્‍તંભ રૂપે એ જે દિવસે પ્રગટયા એ દિવસ એટલે મહાશિવરાત્રી. આથી શિવપુજનનો એ મુખ્‍યદિવસ મનાયો છે. એટલે જ શિવરાત્રી એ શિવની કલ્‍યાણકારી રાત્રી મનાઇ છે.shivratri_melo-1મહાદેવ શિવ પાતાળની તપશ્ચર્યા પુર્ણ કરી પર્વતાધિરાજ ગિરનારમાંથી કૈલાસ ગયા એ દિવસથી સિધ્‍ધક્ષેત્ર ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીનો મેળો ભરાતો હોવાનું લોકજીભે ચર્ચાય છે. બ્રહ્મલીન ભોજાબાપા આ મેળાને કમંડળથી મંડળનો મેળો કહેતા. કમંડળ એટલે સાધુ સંતો, મહંતો, સન્‍યાસી, સિધ્‍ધો અને સાધકો અને મંડળ એટલે લોકસમુદાય-માનવ મહેરામણ આ બન્‍ને સમુદાયનો આ મેળો છે. ભવનાથ, ભભુતી, ભજન, ભવેશ્વર અને ભોજન એ પાંચ નો સમન્‍વયીત મેળો એટલે મહાશિવરાત્રીનો ભાતીગળ મેળો. ઠેક ઠેકાણે સાધુ સંતોની ધુણી ધખતી હોય, ભાવીકો મેળાનાં ભજનની સરવાણી પાન કરતા હોય, બાળકો, માતાઓ-બહેનો મેળાની સંસ્‍કારીતાની વાત રજુ કરે ત્‍યારે આ જૂનાગઢના અમર વારસા સમો મહાશિવરાત્રીનો મેળો દૈદિપ્‍યમાન બની રહે છે. શિવ સાથે આમેય સોમનાથથી ભવનાથ સુધીનો અનોખો મહિમા આ જીલ્‍લામાં રહ્યો છે. ચંદ્ર, શિવ અને સમુદ્રનો રોહીણી નક્ષત્રએ પ્રભાસ તિર્થક્ષેત્રે મિલાપ. આવો જ ઇશ્વર સાથે એકાકારનો અનેરો અવસર એટલે ભવનાથ ક્ષેત્રનો મહાશિવરાત્રીનો મેળો. અહીં પ્રતિ વર્ષ ૫થી ૬ લાખ શ્રધ્‍ધાળુઓ ભવનું ભાથુ બાંધવા પધારે છે. દેશભરમાંથી વિવિધ સંપ્રદાયનાં સાધુ સંતો મહંતો અખાડાનાં સન્‍યાસીઓ પોતપોતાનાં રસાલા સાથે  ધર્મ ધ્વજા  અને ધર્મ દંડ સાથે ભવનાથ તિથર્ક્ષેત્રમાં નિવાસ કરે છે. સર્વ સિધ્‍ધો,નાથયોગીઓ, ગેબમાં રહેતા અપ્રકટ વસતા અઘોરીઓ, ગુરૂ દતાત્રેય, ગોપીચંદ, અશ્વત્‍થામા, ભૃતુહરી, ગોરખનાથ તેમજ શિવનાં ત્રણ ગણ કાળભૈરવ, બટુકભૈરવ અને ચંદ્રભૈરવ સદેહે આ સમય દરમ્‍યાન રેવતાચલ પર્વતની ગિરી તળેટીનાં શિવરાત્રીનાં મેળામાં વિહરતા હોવાની લોકમાન્‍યતાને કારણે લોક વિશાળ સમુદાયમાં દર વર્ષે પરંપરાગત ભાગ લેતા આવ્‍યા છે. સાધકોએ અખંડ બાર વર્ષ સુધી શિવરાત્રીની સાધનાં સિધ્‍ધક્ષેત્ર ગિરનારમાં કરવાની હોવાથી સાધકોની સંખ્‍યા પણ ઘણી મોટી હોય છે.shiv_2આ મેળામાં એક માન્‍યતા પ્રમાણે યક્ષનાં નામે સ્‍તંભારોપણ થયુ એમ મનાય છે. મહા વદ ૯ (નવમી)નાં રોજ ભવનેશ્વર મહાદેવનાં મંદિરે ધ્‍વજારોપણથી મેળાનો વિધીવત પ્રારંભ થયો છે. મહા વદી ૧૪ (ચૌદશ)ની અર્ધરાત્રીએ પુર્ણ થાય છે. આ દિવસો દરમ્‍યાન દરેક ઉતારે ભજન-ભોજન, કિર્તન, દુહા, છંદ, લોકવાર્તા અને સંત સમાગમ થાય છે. અખાડાઓમાં ધુણીઓ તપતી હોય છે. સેવાર્થીઓ પોતપોતાનાં ઉતારામાં રાત-દિવસ અખંડ સેવાઓ આપતા થાકતા નથી. મેળામાં બારસ-તેરસ અને ચૌદસ એ ત્રણ દિવસ તો ભરચક માનવ મહેરામણ હિલોળા લેતું નજરે ચડે છે. કુંભમેળાનું નાનકડું રુપ એટલે આપણો ગરવા ગુજરાતનો આ મેળો. અહીં સાધુ સંતો કેન્‍દ્ર સ્‍થાને છે. સ્‍કંદપુરાણ, હરિવંશ અને વિષ્‍ણુપુરાણમાં ગીરનારનું મહાત્‍મય  અને વર્ણન પ્રસિધ્‍ધ હોવાથી ગુજરાત ભરનાં મેળાઓમાં આ મેળો અનોખું સ્‍થાન ધરાવે છે.

શિવરાત્રીનાં દિવસે વહેલી સવારથી જ મૃગીકંડને તાળાબંધી પહેરો લાગી જતો હોય જેમાં દિવસભર પ્રવેશબંધી રહે, દિવસભર જટાધારી સંતો સાધુઓ શિવપાર્વતિનાં વિવાહ મહિમાં ગાતા ગાતા સમાજ-ક્ષેત્રમાં ભ્રમણ કરતા રહે છે. દરેક ઉતારે સવારે ભાંગ-ફળાહાર-પ્રસાદ-ઉપવાસનું અયોજન થાય છે. જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાનાં માર્ગદર્શન હેઠળ શિવરાત્રીનાં મેળામાં તા. ૧૦નાં જ્ઞાનબાગ ગુરૂકુળના છાત્રો સાંસ્કૃતીક કાર્યક્રમ રજૂ કરશે. જીતુદાન ગઢવી અને દિવ્યેશ જેઠવાની ટીમ લોકડાયરાની રમઝટ બોલાવશે. તા. ૧૨નાં પદ્મશ્રી ભીખુદાનભાઇ ગઢવી અને ટીમ સાહિત્ય રસની રસલ્હાણી પીરસશે. તા. ૧૨ને સોમવારે મહેર સારમંડળીનાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે અમુદાન ગઢવી, દીપક જોષીની ટીમ લોકસાહીત્યનાં માધ્યમે મેળાના માણીગરોને સોરઠી અસ્મીતાનાં દર્શન કરાવશે.

શિવરાત્રીનાં મંગળવારની રાત્રે ૧૦ કલાકે જટાધારી, ભભુતધારી, દિગંબર, અતિપુરાતન સાધુઓ તો કોઇ ઉગતી અવસ્‍થાવાળા વડવાઇ જેવી પગની ધુટી સુધીની પીળી જટા ને લાલઘુમ આંખોવાળા સાધુઓ સન્યાસીઓ, સાધ્‍વીઓ, દેવીજીઓ અને નાની બાલ્‍યાવસ્‍થા વાળા મહાત્‍માઓ, સંતો, મહંતો હર હર મહાદેવ, બમ બમ ભોલે, ઓમ નમઃશિવાયનાં જયઘોષ સાથે વિશાળ સરઘસ ભવનાથ મહાદેવનાં મંદિર પાછળ આવેલા દશનામી પંચ અખાડામાંથી ભવ્ય શંખઘોષ, ડમરૂ, નાગફણી-ભેરીફુંકતા ભાલા તલવારો, ઢાલની પટૃાબાજી ખેલતા લાઠીનાં અને અંગકસરતનાં હેરતભર્યા પ્રયોગો કરતા નિશાન, ડંકા ઝાલર અને ધ્‍વજાઓ અને પાલખીઓ સાથે આગળ વધે છે. ભવનાથનાં નિયત કરેલા મેઇન રોડ પર ફરે છે.અખાડાનાં સાધુઅદનું પર્વકાળમાં પવિત્ર સ્‍નાન (શાહી સ્‍નાન) મહાશિવરાત્રીનાં પર્વનાં દિવસેવિવિધ અખાડાઓનાં સાધુ સંતો દ્વારા નિશ્‍વિત કરવામાં આવેલા ક્રમ અનુસાર પોતાનાં અખાડાનાં સંતો સાથે કરવામાં આવતા સ્‍નાનને પવિત્ર સ્‍નાન ( શાહી સ્‍નાન) કહે છે. રવાડી(સરઘસ)માં દશનામી પંચ અખાડાની ગુરૂદત્‍તાત્રેય પાલખી,અભાન અખાડાનાં ગાદીપતીની પાલખી,અગ્ની અખાડાની ગાયત્રીજીની પાલખી સાથે સાથે જુદા જુદા અખાડાઓના સાધુ આગળ વધે છે. સાધુ સંતોની યાત્રાનાં પથ પર બપોરથી જ માર્ગની બન્ને બાજુ વિશાળ જનમેદની એકત્રિત થાય છે.વિવિધ વાજીંત્રો અને હરહર મહાદેવ, બમ-બમ ભોલે નાદ સાથે શરીર પર ભસ્‍મ ચોપડીને હજારો સાધુ સંતો ગળામાં ફુલોનાં હાર, હાથમાં ધ્વજદંડ લે છે. શરીરે ભસ્‍મ લગાડવાથી અમાનવીય આકૃતિ દેખાતા હજારો દિગંબર સાધુ સંતો હરહર મહાદેનો જયઘોષ કરે ત્‍યારે એમ લાગે કે જાણે કૈલાશીય જીવંત દ્રશ્ય નજરે નિહાળીએ છીએ. આમ મધરાત્રે ભવનાથનાં મંદિરનાં દ્વિતીય દરવાજેથી શાહી સવારી મૃગીકુંડમાં પહોંચે છે. લોકમાન્‍યતા પ્રમાણે ગોપનીય વિધી સાથે મૃગીકુંડમાં કાંઠે  ઉભી સાધુઓ વરૂણપુજા કરે છે.અહીં અમર આત્‍માઓ સ્‍નાન કરવા પધારે છે. તેની પ્રતિતીરૂપે ત્રણ તરંગો સ્‍વંયભુ કુંડમાંથી પ્રગટે છે. ત્‍યારબાદ સાધુઓ એકી સાથે મૃગીકુંડમાં સ્‍નાન કરે છે. મૃગીકુંડમાંથી બહાર નિકળી થોડા જ સમયમાં મેળામાંથી અદ્રશ્‍ય થઇ જાય છે. સાધુઓનાં મૃગીકુંડનાં સ્‍નાન પછી મંદિરમાં આરતી ને મહાપુજા થાય છે. અને મેળાની પુર્ણાહુતી થાય છે.

અહેવાલ- અશ્વિન પટેલ અને વિજય ત્રિવેદી જૂનાગઢ