ભૂજઃ રાજ્યમાં એક તરફ વિનાશક વાવાઝોડાની આફત વચ્ચે ભૂકંપ અનુભવાયો છે. વાવાઝોડાની આફત વચ્ચે સાંજે પાંચ કલાકે કચ્છમાં 3.5ની તીવ્રતાનો આંચકો નોંધાયો છે. જેનું કેન્દ્રબિંદુ ભચાઉથી પાંચ કિ.મી દૂર છે. હાલમાં જાનમાલના નુકસાનના કોઇ અહેવાલ નથી.
જોકે આ પહેલાં સાંજે ચાર કલાકે જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ વિસ્તારમાં ભૂકંપ અનુભવાયો હતો. આ ભૂકંપની તીવ્રતા 3.4ની હતી. આ પહેલાં દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં એક વાર ફરીથી ભૂકંપ આવ્યો હતો. પંજાબ સુધી ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે. મળતી માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી અને યુપીના કેટલાક વિસ્તારોમાં કંપન મહેસૂસ થયા છે. ભૂકંપના ઝટકાનો અહેસાસ 20 સેકન્ડ સુધી રહ્યો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4ની માપવામાં આવી હતી.
આ અગાઉ તાજેતરમાં પણ ભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. ભૂકંપની અસર દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ, અને ઉત્તરાખંડ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હતું. ભૂકંપનું કેન્દ્ર તે વખતે અફઘાનિસ્તાનનું હિન્દુકુશ હતું.