મહાવાવાઝોડું ‘બિપરજોય’ આજે બપોરે કચ્છની ધરતી પર ટકરાશે

અમદાવાદઃ ભયાનક ચક્રવાતી વાવાઝોડું ‘બિપરજોય’ ઝડપથી કચ્છ-સૌરાષ્ટ્ર અને પાકિસ્તાનની દિશામાં આગળ વધી રહ્યું છે. અનુમાન મુજબ, વાવાઝોડું આજે બપોરે અઢી વાગ્યાની આસપાસ કચ્છના જખૌ બંદર પર લેન્ડફોલ કરશે. કાતિલ ઝડપે પવન ફૂંકાવાની સાથે ધોધમાર વરસાદ પડવાને કારણે નિચાણવાળા ભાગોમાં પાણી ભરાઈ જવાની ભીતી છે.

ગુજરાત સરકાર તેમજ સંબંધિત જિલ્લા વહીવટીતંત્રો દ્વારા સંભવિત અસરગ્રસ્ત સમુદ્રકાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરી દીધું છે. કચ્છના માંડવી, મુંદ્રા અને જખૌમાં અનેક ગામડાઓ ખાલી થઈ ગયા છે અને ત્યાં બધું સૂમસામ ભાસે છે. પવનના સૂસવાટા અને દરિયામાં વિકરાળ મોજાંના અવાજ સિવાય બીજું કંઈ સાંભળવા મળતું નથી. પોરબંદર ઉપરનો ખતરો થોડોક ઘટી ગયો છે. ત્યાં બે દિવસથી થોડોક તડકો પણ નીકળે છે. પવન છે અને અવારનવાર વરસાદ પડે છે.

‘બિપરજોય’ વાવાઝોડું પાકિસ્તાનના કરાચી સહિત સમુદ્રકાંઠા વિસ્તારોમાં પણ મોટું નુકસાન વેરે એવી સંભાવના છે.

ચક્રવાતને કારણે ભારતીય રેલવેએ સૌરાષ્ટ્ર તરફ જતી અને ત્યાંથી આવતી અસંખ્ય ટ્રેનોને રદ કરી દીધી છે. ઘણી ટ્રેનોને રાજકોટ ટર્મિનેટ કરી દેવામાં આવી રહી છે. કચ્છ અને સૌરાષ્ટ્રના સંભવિત અસરવાળા વિસ્તારોમાં શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે.

આ વાવાઝોડું ત્રાટકવાથી ગુજરાતના વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્ર પર ઘણી માઠી અસર પડશે. તમામ મોટા બંદરગાહ બંધ છે. સમુદ્રમાર્ગે તેલનો વ્યાપાર પણ ઠપ થઈ ગયો છે. અસરગ્રસ્ત વિસ્તારો તથા ગુજરાત રાજ્યના સમગ્ર અર્થતંત્રને કરોડો રૂપિયાનું નુકસાન જવાનો અંદાજ છે.

વાવાઝોડાને ધ્યાનમાં લઈને કચ્છ અને સૌરાષ્ટ્રના સાત સહિત કુલ આઠ જિલ્લામાં વરસાદ માટે રેડ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. ભારતીય લશ્કર, હવાઈ દળ અને નૌકાદળ તેમજ એનડીઆરએફની અસંખ્ય ટીમને બચાવ તથા રાહત-સહાય કામગીરીઓ હાથ ધરવા માટે તૈનાત કરવામાં આવી છે.