AAPના 10 ઉમેદવારોની યાદી જાહેરઃ રાજ્યમાં નવેમ્બરમાં ચૂંટણી?

અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓનાં પડઘમ વાગી રહ્યાં છે.રાજકીય પક્ષોએ ચૂંટણીની તો ક્યારની તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. રાજ્યના ચૂંટણી પંચે પણ ચૂંટણી યોજવા માટેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે,એમ ચૂંટણી પંચના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું. જોકે ઓક્ટોબરમાં દિવાળી પછી તરત જ ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના છે.

રાજ્યના ચૂંટણી પંચે મતદાર યાદીની ચકાસણી અને નવા મતદારોની નોંધણીનું કામ શરૂ કરી દીધું છે. આ ઉપરાંત કર્મચારીઓ માટે મતદાન પ્રક્રિયાઓ અને તેને સંબંધિત કામો માટે શિબિરો અને સેમિનારોનું ચૂંટણી પંચે આયોજન પણ કરી રહ્યું છે.રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ માટે પાંચ રાજ્યોના કાર્યકરો ચૂંટણીપ્રચાર પ્રસાર અને ચૂંટણી માઇક્રો પ્લાનિગમાં મદદ કરવા માટે આવશે. ઓગષ્ટના બીજા સપ્તાહમાં આ કાર્યકરો ગુજરાત આવી જશે.

બીજી બાજુ, આમ આદમી (AAP) પાર્ટી ગુજરાતમાં પ્રવેશવા ચૂંટણીપ્રચાર તેજ કરી દીધો છે. AAP પાર્ટીના સંયોજક કેજરીવાલ ચૂંટણીને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી ચાર વખત રાજ્યની મુલાકાતે આવી ચૂક્યા છે. તેમણે રાજ્યના મતદારોને રીઝવવા માટે 300 વીજ યુનિટ મફત આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત તેમણે 10 લાખ યુવાઓને સરકારી નોકરી આપવાનું અને બેરોજગારી ભથ્થું આપવાની જાહેરાત કરી છે. આ સાથે AAP પાર્ટીના ગુજરાત એકમ દ્વારા 10 ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.

AAP પાર્ટીના પ્રદેશાધ્યક્ષ ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ યોજીને AAPની પહેલી યાદી જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે ચૂંટણીનું જાહેરનામું બહાર પડે એના ત્રણ-ચાર મહિના પહેલાં અમે 10 ઉમેદવારોની જાહેરાત કરી છે, જે રાજ્યના ઇતિહાસમાં સૌપ્રથમ વાર ચૂંટણી પહેલાં ઉમેદવારોનાં નામોની જાહેરાત થઈ છે. ચૂંટણીના જાહેરનામા પહેલાં AAP પાર્ટીના તમામ ઉમેદવારો જાહેર કરી દેવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.