અમદાવાદ – વિધાનસભાની ચૂંટણી જ્યાં માથા પર આવી છે તે ગુજરાત રાજ્યમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો, જિલ્લા વહીવટીતંત્ર અને ગુજરાત ચીફ ઈલેક્ટોરલ ઓફિસર (સીઈઓ)ના કાર્યાલયના સંગાથમાં કુલ ૫૫૫ ફ્લાઈંગ સ્ક્વોડ્સના જવાનોએ રૂ. ૧૫ કરોડનો શરાબ જપ્ત કર્યો છે.
પોલીસે આપેલી જાણકારી મુજબ, રાજ્યમાં દારૂબંધી કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ રૂ. ૩૫ કરોડનો માલ જપ્ત કરવામાં આવ્યો છે.
વડા ચૂંટણી અધિકારી (સીઈઓ)ના કાર્યાલયે ગુજરાતમાં પ્રત્યેક ૧૮૨ મતવિસ્તારોમાં એન્ટી-નાર્કોટિક્સ ટૂકડીઓને તહેનાત કરી છે.
ચૂંટણી માટે પોલીસ વ્યવસ્થાની જવાબદારી સંભાળનાર એડિશનલ ડાયરેક્ટોરેટ જનરલ ઓફ પોલીસ મોહન ઝાએ કહ્યું છે કે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત કરાઈ એ દિવસથી અત્યાર સુધીમાં વહીવટીતંત્રે રૂ. ૧૪.૭૧ કરોડની કિંમતનો ભારતમાં બનાવેલો વિદેશી દારૂ અને રૂ. ૨૧ લાખની કિંમતનો દેશી દારૂ જપ્ત કર્યો છે.
તે ઉપરાંત રૂ. ૨૦.૪૮ કરોડની કિંમતના અન્ય માલ જેમ કે, શરાબના ટ્રાન્સપોર્ટેશન માટે વપરાયેલા વાહનોને પણ જપ્ત કર્યા છે. જપ્તીના માલની કુલ કિંમત રૂ. ૩૫ કરોડ ૪૧ લાખ થવા જાય છે. પોલીસે આ સંદર્ભમાં ૨૨,૦૪૩ જણ સામે કેસ નોંધ્યા છે અને એમાંથી અત્યાર સુધીમાં ૧૭,૮૮૬ની ધરપકડ કરી છે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે. ૯ ડિસેમ્બરે ૮૯ બેઠકો પર અને ૧૪ ડિસેમ્બરે ૯૩ બેઠકો માટે મતદાન થશે અને ૧૮ ડિસેમ્બરે પરિણામ જાહેર કરાશે.