ફિલ્મ પદ્માવતી ગુજરાતમાં રીલીઝ નહીં થાયઃ CM વિજય રૂપાણી

ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને ફિલ્મ પદ્માવતી રીલીઝ નહીં થાય. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને આ જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાને જણાવ્યું કે ગુજરાતમાં હાલ ચૂંટણીનો માહોલ છે અને ફિલ્મ પદ્માવતીને લઈને વિરોધનો સૂર પણ ઉઠી રહ્યો છે, ત્યારે આ તમામ કારણોને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન બગડે તે માટે ફિલ્મ પદ્માવતીને રીલીઝ ન કરવાની જાહેરાત કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે ફિલ્મ પદ્માવતીને લઈને ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રીય સમાજ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે અમે લોકો આ ફિલ્મને રીલીઝ નહી થવા દઈએ. તો બીજી તરફ કરણી સેના દ્વારા પણ ફિલ્મ પદ્માવતીને લઈને ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે. ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકોનો આક્ષેપ છે કે ફિલ્મમાં રાણી પદ્માવતીના પાત્રને તોડી મરોડીને અને હકીકત કરતા કંઈક અલગ જ રીતે રજુ કરવામાં આવ્યું છે. રાણી પદ્માવતી એક સન્માનનીય ઐતીહાસીક પાત્રની સાથે રાજપૂત સમાજનું ગૌરવ છે માટે રાણી પદ્માવતીના પાત્ર અંગે ફિલ્મમાં થયેલા ફેરફારોના કારણે અમે આ ફિલ્મ રીલીઝ નહી થવા દઈએ.

એક તરફ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે અને બીજી તરફ ફિલ્મ પદ્માવતીને લઈને ઉઠી રહેલો વિરોધનો સુર, ત્યારે આ સમગ્ર માહોલ જોતા જો ફિલ્મ પદ્માવતી રીલીઝ થાય તો ગુજરાતમાં ફિલ્મ વિરૂદ્ધ વિરોધનો જુવાળ ફાટી નીકળવાની શક્યતાઓ રહેલી છે ત્યારે આ તમામ સ્થિતીને જોતા ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ફિલ્મ પદ્માવતીને ગુજરાતમાં રીલીઝ ન થવા દેવાનો નિર્ણય કર્યો છે.