પોરબંદરઃ સમગ્ર એશિયામાં એશિયાટીક લાયનનું એકમાત્ર રહેઠાણ ગીરનું જંગલ છે. સિંહોને આ જંગલ સાંકડુ પડતું હોવાથી પોરબંદર નજીકના બરડાના જંગલમાં ગીરના જંગલની સમકક્ષ જ એક વિકલ્પ મળી રહે તે પ્રમાણેનું આયોજન કરવામાં આવ્યું હતું. બરડાના આ જંગલમાં પ્રાયોગિક ધોરણે બે સિંહ જોડીને વસાવવામાં આવી છે અને તેમનું સંવર્ધન પણ કરવામાં આવી રહ્યું છે.
બરડાનું આ જંગલ ગીરના જંગલ જેવી જ કુદરતી આબોહવા ધરાવે છે અને એટલા માટે જ તે ગીરનો વિકલ્પ બનવા યોગ્ય હોવાથી 1979માં બરડાના આ જંગલને સરકાર દ્વારા અભ્યારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તો અહીંયા સિંહના ખોરાકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ચિતલ હરણ વસાવવાનું પણ શરૂ કરવામાં આવ્યું હતું. જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાંથી ચિતલ હરણને બરડાના જંગલોમાં સિંહના ખોરાક માટે મુક્ત કરવામાં આવ્યાં હતાં અને ત્યારથી બરડાના આ જંગલમાં સિંહોને વસાવવા માટેના વિધિવત શ્રીગણેશ કરી દેવામાં આવ્યાં હતાં.
બાદમાં આ સિંહોને મધ્યપ્રદેશના જંગલમાં ખસેડવાની મથામણ શરૂ થતાં તે સમયે બરડાના જંગલમાં સિંહોને વસાવવાનો પ્રોજેક્ટ અદ્ધરતાલ થઈ ગયો હતો. ત્યારબાદ 2015માં ગીરના સિંહોને બરડામાં વસાવવાના પ્રોજેક્ટને લીલી ઝંડી મળતા અત્યારે સિંહોને વસાવવામાં આવ્યા છે. હાલ બે સિંહની જોડીને અહીં મુકવામાં આવી છે પરંતુ આવનારા સમયમાં વધુ એશિયાટિક સિંહોનો વસવાટ કરાવી બરડાના જંગલને ગીરના જંગલના સક્ષમ વિકલ્પ તરીકે સ્થાપિત કરવામાં આવશે.