સીએમ રુપાણી ઇઝરાયેલ પ્રવાસે જવા રવાના, CMનો ચાર્જ કોઇને ન સોંપ્યો

ગાંધીનગર-મુખ્યપ્રધાન વિજય રુપાણી બપોરે 12.45 કલાકે અમદાવાદથી ઇઝરાયેલના પ્રવાસે જવા રવાના થયાં છે. સીએમ રુપાણી બપોરે 3 કલાકે નવી દિલ્હી હવાઈ મથકે ભારતના ઇઝરાયેલી રાજદૂત ડેનિયલ કેર્મોન સાથે મુલાકાત કરશે અને સાંજે 4.45 વાગ્યે નવી દિલ્હીથી ઇઝરાયેલના તેલ અવીવ જવા રવાના થશે.મુખ્યપ્રધાનને અમદાવાદ વિમાનીમથકે વિદાયમાન આપવા રાજ્ય પ્રધાનમંડળના સૌરભ પટેલ, જયેશ રાદડિયા, ઈશ્વર પરમાર, પ્રદીપસિંહ જાડેજા, પરબત પટેલ, ઈશ્વરસિંહ પટેલ, વિભાવરી દવે તેમ જ દંડક પંકજ  અને મુખ્ય સચીવ ડો.જે.એન સિંહ સહિત ઉચ્ચઅધિકારીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છા વિદાય આપી પ્રવાસ માટે સફળતા ની શુભકામનાઓ આપી હતી.ગુજરાતના મુખ્યપ્રધાનનો પદભાર સંભાળ્યા બાદની તેમની પ્રથમ વિદેશ મુલાકાત છે. સીએમની સાથે કૃષિ રાજ્યકક્ષાના પ્રધાન જયદ્રથસિંહજી પરમાર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ ઇઝરાયલ જઇ રહ્યું છે.

સીએમ રુપાણી 6 દિવસ માટે રાજ્યની બહાર, વિદેશ પ્રવાસે ગયાં છે તેમણે ખાતાંની ફાળવણી કરી હતી પરંતુ સીએમનો ચાર્જ કોઇને સોંપ્યો ન હતો. જેને લઇને ભારે ચર્ચાએ જન્મ લીધો છે અને તેમના અને નિતીન પટેલ વચ્ચેના ખટરાગની વાતો વધુ ગહન બની હતી.