જખૌના દરિયામાં કોસ્ટગાર્ડની હોડી ડૂબી, 1 લાપતા

કચ્છ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે છેલ્લા બે દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. હજુ બે દિવસ રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વાદળછાયાં વાતાવરણ વચ્ચે ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની શક્યતા છે. કચ્છનાં અરબી સમુદ્રમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. જખૌનાં દરિયામાં ખરાબ વાતાવરણને કારણે એક બાર્જ ડૂબી ગયાનાં સમાચાર મળ્યાં છે. બાર્જમાં સવાર 7 ક્રુ મેમ્બરને કોસ્ટગાર્ડ ટીમે રેસ્ક્યુ કરી બચાવી લીધા છે જ્યારે એક ક્રુ મેમ્બર હજી ગુમ છે અને તેની શોધખોળ ચાલી રહી છે.

મળતી માહિતી પ્રમાણે ખરાબ હવામાનને કારણે અનેક બાર્જ અને જહાજોમાં પાણી ભરાયા છે. હાલ કોસ્ટગાર્ડની ટીમ ભારે જહેમતથી આ બધાને બચાવવાની કામગીરી કરી રહી છે.

આ પહેલા પણ ગત વર્ષે જૂનમાં પણ કચ્છના કંડલાના દરિયામાં સાત ક્રુ મેમ્બર સાથેનું ગીરજા 2 નામનું બાર્જ ડુબ્યુ હતું. બાર્જમાં સવાર સાત ક્રુ મેમ્બર લાપત્તા થયા હતા. જેમને કોસ્ટગાર્ડ રેસ્કયુ કરી બચાવી લીધા હતા. બાર્જ ડૂબ્યાના સમાચાર મળતા કોસ્ટગાર્ડ અને કંડલા પોર્ટના જહાજો દરિયામાં મદદ માટે રવાના થયા હતા. કંડલા પોર્ટની અન્ય ટગ અને બોટ પણ મદદ માટે રવાના થઈ હતી. 1500 ટન ફર્ટિલાઈઝર ભરીને આવતુ ગીરજા 2 નામનું બાર્જ મધરાતે દરિયામાં ડુબ્યુ હતું.