પાણી પુરવઠાપ્રધાન તરીકે પદભાર સંભાળતાં કુંવરજીભાઇ બાવળિયા

ગાંધીનગર- પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણપ્રધાન કુંવરજીભાઇ બાવળિયાએ આજે બુધવારે સ્વર્ણિમ સંકુલ-ર, પહેલા માળે તેમની ઓફિસમાં જઈને તેમનો પદભાર સંભાળી લીધો હતો. આ વેળાએ વિવિધ વિભાગના સનદી અધિકારીઓ તથા તેમના શુભેચ્છકોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.
પદભાર સંભાળ્યા બાદ પાણી પુરવઠાપ્રધાન કુંવરજીભાઇ બાવળિયાએ જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે મને રાજ્ય સરકારમાં સેવા કરવાની જે તક આપી છે, તેમાં મારા ૩૦ વર્ષના જાહેરજીવનના અનુભવો થકી જનહિતના કામોને વધુ વેગવાન બનાવવાનો પ્રયાસ કરીશ.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની મને જવાબદારી સોંપવામાં આવી છે. તેમાં મારા ગ્રામ્ય જીવનના બહોળા અનુભવ થકી જનહિતના કામો કરવા હું સંનિષ્ઠ પ્રયાસો કરીશ. રાજ્ય સરકારે મારા પર જે વિશ્વાસ મૂકીને જવાબદારી સોંપી છે તેને હું નિષ્ઠાપૂર્વક બજાવીને છેવાડાના માનવીને રાજ્ય સરકારની યોજનાઓના લાભો વધુને વધુ પહોંચે તેવા પ્રયાસો કરીશ.

પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગની તમામ યોજનાઓના લાભો અંતરિયાળ વિસ્તારના લોકોને પહોંચાડવાના મારા સંનિષ્ઠ પ્રયાસો હશે.