રાજકોટમાંથી 400 બોગસ ડિગ્રી વેચાઇ, 2 આરોપીની ધરપકડ

રાજકોટઃ રાજકોટમાંથી બહાર આવેલા બોગસ ડિગ્રી કૌભાંડ મામલે ઘણા સમયથી તપાસ ચાલી રહી છે ત્યારે વધુ એક બોગસ ડિગ્રી કૌભાંડ સામે આવ્યું છે જેમાં 400 જેટલી બોગસ ડિગ્રી વેચાઈ હોવાની માહિતી સામે આવી છે. સમગ્ર મામલે તપાસ કરી 2 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે.

આ બંને વ્યક્તિઓ સાક્ષર ફાઉન્ડેશનના ઓઠાં હેઠળ બોગસ ડિગ્રીઓ વેચતાં હતાં. સાક્ષર ફાઉન્ડેશન દ્વારા મેનેજમેન્ટ કોર્સની બોગસ ડિગ્રી આપવામાં આવી હતી. જેમાં ઈન્ડિયન બિઝનેસ મેનેજમેન્ટ નામની સંસ્થા ચલાવવામાં આવતી હતી. ડિપ્લોમા ઈન બિઝનેસ મેનેજમેન્ટ ડિગ્રી અહીંયાથી આપવામાં આવતી હતી. આના માટે સંસ્થા દ્વારા રાજ્યભરમાં એજન્ટો ઉભા કરવામાં આવ્યાં હતાં. આ એજન્ટો મારફતે અત્યાર સુધીમાં ગુજરાતમાં 400 જેટલી બોગસ ડિગ્રી વેચવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અત્યાર સુધીમાં અનેક વિદ્યાર્થીઓ આ કૌભાંડનો ભોગ બન્યાં છે.