PM મોદી અને અમિત શાહ સહિત સોમનાથ ટ્રસ્ટ ચેરમેનપદ માટે સૌ એકસૂરઃ કેશુભાઈ ફરી ચેરમેન

ગાંધીનગર– પીએમ મોદી અને અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના સભ્યોએ એકસૂરે ફરી કેશુભાઈ પટેલને સોમનાથ ટ્ર્સ્ટના ચેરમેન પદે યથાવત જાહેર કર્યાં છે. ગાંધીનગર રાજભવનમાં ગત મોડીરાત્રે આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો.પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને ફરી એકવાર સોમનાથ ટ્રસ્ટના ચેરમેન પદ પર નિયુક્ત કરવાનો નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કરવામાં આવ્યો હતો. કેશુભાઈ પટેલની સર્વાનુમતિથી નિમણૂક કરવામાં આવી હતી. અટકળો એવી હતી કે કદાચ કેશુભાઈની અસ્વસ્થ તબિયતને લઇને અન્ય ચેરમેનની નિમણૂક કરવામાં આવે.

રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની વાર્ષિક બેઠક મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સોમનાથ ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટી સભ્યો સાંસદ લાલકૃષ્ણ અડવાણી, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, પરિમલ નથવાણી અને પી.કે. લહેરી હાજર રહ્યાં હતાં.