પર્યાવરણના જતન માટે કાશ્મીરથી કન્યાકુમારી સ્કેટિંગ યાત્રા

અમદાવાદઃ શહેર, રાજ્ય, દેશ કે દુનિયાનું ભ્રમણ લોકો જુદી-જુદી રીતે કરતા હોય છે. સાઇકલ, મોટરસાઇકલ, પગપાળા અને કાર જેવાં અનેક માધ્યમો દ્વારા અને જુદા-જુદા ઉદ્દેશ સાથે પ્રવાસીઓ જોવા મળી જાય. હાલમાં અમદાવાદમાં સ્કેટિંગ કરતું એક ગ્રુપ પ્રવેશ્યું.. વારાણસીથી આવેલું ‘ અતુલ્ય ભારત રોલર સ્કેટિંગ યાત્રા’ કરતું ગ્રુપ કાશ્મીરથી કન્યાકુમારી પ્રવાસ કરી રહ્યું છે.

અતુલ્ય ભારત રોલર સ્કેટિંગ યાત્રાના સભ્યો સ્કેટિંગ કરી શ્રીનગર લાલચોક કાશ્મીરથી કન્યાકુમારી લગભગ 5000 કિલોમીટર યાત્રા કરશે.

સ્કેટિંગ કરી યાત્રા કરતા ગ્રુપના સોની ચોરસિયા ચિત્રલેખા. કોમને કહે છે..અમે 13 રાજ્ય, 100 શહેર, 1000 ગામડાંઓ પાસેથી પસાર થઈશું..એ વેળાએ ધાર્મિક, ઐતિહાસિક ધરોહર , પર્યટન સ્થળો પર પર્યાવરણના જતનનો સંદેશ આપીશું..વૃક્ષારોપણ કરીશું..ગ્રાહક સંરક્ષણની જાગૃતિ કરીશું..આ સાથે કુપોષણમુક્ત સમાજ અને નારીશકિત જાગ્રત થાય- એ ઝુંબેશને વેગ આપીશું.

આ કાર્યક્રમના સંયોજક રાજેશ ડોગરા કહે છે, અઢી ઇંચના પૈડાં ઉપર ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની વાત સાથે અતુલ્ય ભારત રોલર સ્કેટિંગ યાત્રા કન્યાકુમારી તામિલનાડુના વિવેકાનંદ રોક પાસે સંપન્ન કરીશું. આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે અનેક કાર્યક્રમો થયા. અમારી ભારત દર્શનની સ્કેટિંગ યાત્રા સામાજિક સંદેશા સાથે વિશેષ છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)