અમદાવાદ, બુધવાર, 22 ફેબ્રુઆરી, 2023: પીઢ પત્રકાર અને સંપાદક શીલા ભટ્ટ અને જાણીતા ગુજરાતી લેખક મધુ રાયએ મંગળવારે, ભારતીય વિદ્યા ભવન અમદાવાદ ખાતે, સુપ્રસિદ્ધ ગુજરાતી પત્રકાર અને લેખક સ્વ.કાન્તિ ભટ્ટની યાદમાં નિર્મિત એક અનોખા સ્મારક અને વાંચન ખંડનું લોકાર્પણ કર્યું હતું. ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે’ આ અંગે એક કાર્યક્રમ યોજાયો હતો.
જનતાને સમર્પિત અને કોઈ લેખક-પત્રકારની યાદમાં બનેલું આ પહેલું આવું સ્મારક છે. ભવન્સ ખાતે ભારતીય વિદ્યા ભવનના હરિલાલ ભગવતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટ (HBICM) દ્વારા આ સ્મારકનું સંચાલન થશે. અહિંયા સ્વ.કાન્તિભાઈના 1,600 થી વધુ પુસ્તકોના વ્યક્તિગત પુસ્તક સંગ્રહ અને તેમના પ્રકાશિત થયેલા 16,000 લેખો, તેમજ તેમની કેટલીક અંગત વસ્તુઓનો સંગ્રહ જાળવવામાં આવ્યો છે.
કાન્તિભાઈ એ લગભગ પાંચ દાયકા જેટલી તેમની લેખન કારકિર્દીની શરૂઆત 1970માં કરી હતી. તેમનું લેખન કાર્ય વર્ષ 2019 સુધી, વિના વિરામ, તેમના અવસાન સુધી ચાલુ રહ્યું હતું. તેમણે મુખ્યત્વે કાન્તિ ભટ્ટ તરીકે અને બહુવિધ ઉપનામોથી વ્યાપકપણે લખ્યું છે. તેમની કૉલમ્સ અને લેખો દાયકાઓ સુધી ગુજરાતી વાચકો માટે સ્થાનિક, રાષ્ટ્રીય અને વૈશ્વિક બાબતો પર સચોટ માહિતી અને તીક્ષ્ણ પરિપ્રેક્ષ્ય જાણવા માટે લોકપ્રિય હતા. તેમણે અને તેમની પત્નીએ સંયુક્ત રીતે સૌથી લોકપ્રિય ગુજરાતી સામયિકોમાંનું એક, અભિયાન શરૂ કર્યું હતું. તેમણે 50થી વધુ પુસ્તકો પણ લખ્યા છે. તેઓ પ્રમાણિકતા અને ખૂબ જ નિર્ભીક તથા ધારદાર લેખન માટે જાણીતા હતા.
“કાન્તિ ભટ્ટના કદના અને ગજાના પત્રકાર માટે સ્મારક એ એક યોગ્ય શ્રદ્ધાંજલિ છે,” તરીકે વર્ણવતા, તેમના પત્ની શીલા ભટ્ટે ભારતીય વિદ્યા ભવનની આવું સ્મારક બનાવવાની પહેલની પ્રશંસા કરી. તેમણે આ સ્મારકથી પ્રેરણા લઇ અને અન્ય સુપ્રસિદ્ધ પત્રકારો અને લેખકોની યાદમાં આવા જીવંત સ્મારકો બનાવવા માટે આગ્રહ કર્યો. “કાન્તિ ભટ્ટને પુસ્તકો ખુબ પ્રિય હતા. મને ખાતરી છે કે તેમની અંતિમ ક્ષણો દરમિયાન પણ તેઓ તેમના પુસ્તકો અને તેમના લખાણોનું શું થશે તે વિચારતા હશે. હવે જરૂરથી તેમના આત્માને શાંતિ મળશે,” શીલા ભટ્ટે કાર્યક્રમમાં શ્રોતાઓને સંબોધતા કહ્યું.
જાણીતા ગુજરાતી લેખક અને નાટ્યકાર મધુ રાયે આ સ્મારક લોકોને સમર્પિત કર્યું હતું. તેમણે કાન્તિ ભટ્ટને મળેલી જંગી લોકપ્રિયતા અને સફળતા સ્પષ્ટ રીતે ઉભરી આવે તેમ,પોતાની આગવી હળવાશ પૂર્વકની શૈલીમાં વાત કરી હતી.
પીઢ પત્રકાર અને તંત્રી શ્યામ પારેખ આ સ્મારકના ક્યુરેટર છે અને ભવન્સની રાજેન્દ્ર પ્રસાદ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કમ્યુનિકેશન એન્ડ મેનેજમેન્ટ (RPICM)ના ડિરેક્ટર છે. સ્મારક વિશે વાત કરતાં તેમણે કહ્યું, “કાન્તિભાઈનો સમગ્ર વારસો આ જાહેર સંસ્થાને સોંપવો અને તેને બધા માટે સુલભ બનાવવો એ ખરેખર શીલાબેનની એક મહાન પહેલ છે.” તેમણે ઉમેર્યું હતું કે હાલમાં કાન્તિભાઈના તમામ પ્રકાશિત લેખો ડિજિટાઇઝ થઈ રહ્યા છે અને અંતે તે ઓનલાઈન ઉપલબ્ધ થશે.
આ પ્રસંગે બોલતા, ભવન્સના અમદાવાદ કેન્દ્રના અધ્યક્ષ મુકેશ પટેલ અને સેક્રેટરી પ્રકાશ ભગવતીએ આ સ્મારકની સ્થાપના માટે ભવન્સને સાંપડેલા શીલાબેનના સમર્થનને આવકાર્યું હતું. ભવન્સના ખજાનચી, ગૌરવ શાહે વ્યક્ત કર્યું કે કાન્તિ ભટ્ટની ક્ષમતા ધરાવતા પત્રકારને આ યોગ્ય શ્રદ્ધાંજલિ છે.
સ્વ.કાન્તિભાઈના બહેન ઈન્દિરાબેન વ્યાસે યુવાન કાન્તિભાઈની યાદો તાજી કરી હતી જેઓ તેમના પુસ્તકો અને વાંચન સાથે ઊંડો લગાવ ધરાવતા હતા.
મેમોરિયલમાં કાન્તિભાઈના અંગત સંગ્રહના લગભગ 1,600 પુસ્તકો છે, જે શીલા ભટ્ટ દ્વારા ભારતીય વિદ્યા ભવન, અમદાવાદને દાનમાં આપવામાં આવ્યા છે. આ સ્મારક પત્રકારત્વ અને અન્ય શાખાઓના વિદ્યાર્થીઓ માટે લેક્ચર હોલ અને વર્ગખંડ તરીકે પણ ઉપયોગમાં લેવાશે.
સ્મારકની મુલાકાત નિઃશુલ્ક રહેશે અને સોમવારથી શુક્રવાર સુધી બપોરે 12:00 અને 6:00 વાગ્યાની વચ્ચે ખુલ્લું રહેશે. પુસ્તકો અને લેખોના સંગ્રહને વાંચવા માટે, મુલાકાતનો સમય નક્કી કરવા માટે તથા અન્ય વિગતો માટે કેયુર ધનદેવનો +91 – 7435012121 પર સંપર્ક કરવો.
સ્મારકમાં પ્રવચનો માટે 50 વ્યક્તિઓની બેઠક ક્ષમતા છે અને ત્યાં ચર્ચાઓ અને વ્યાખ્યાનોનું આયોજન થશે. સ્મારક ખાતે અત્યાધુનિક ઓડિયો-વિઝ્યુઅલ સાધનો, પ્રોજેક્ટર અને જૂના કોમ્યુનિકેશન ગેજેટ્સનો એક ક્યુરેટેડ સંગ્રહ પણ મુકવામાં આવ્યો છે.