કાકાસાહેબ કાલેલકર સાહિત્ય સન્માન સાહિત્યકાર ભાગ્યેન્દ્ર પટેલને

નવી દિલ્હીઃ દક્ષિણ ગુજરાતમાં વાંસદાના ભીનાર ગામમાં એક ખેડૂત કુટુંબમાં જન્મેલા ભાગ્યેન્દ્ર પટેલે મૂક્સેવકની ભૂમિકામાં રહીને સાહિત્યસૃજન અને પ્રસાર ક્ષેત્રે ભૂમિકા ભજવી છે. સાહિત્ય ક્ષેત્રે સિદ્ધિઓ અને પ્રોત્સાહન માટે કાકાસાહેબ કાલેલકર સ્મૃતિ રાષ્ટ્રીય પ્રોત્સાહન સન્માન-૨૦૨૨ જાણીતા સાહિત્યકાર-સંપાદક ભાગ્યેન્દ્ર પટેલને એનાયત થયું છે. શનિવારે દિલ્હીમાં ગાંધી હિન્દુસ્તાની સાહિત્ય સભા સંસ્થામાં યોજાયેલી સંનિધિ સંગોષ્ઠિમાં ‘જનસત્તા’ દૈનિકના સંપાદક મુકેશ ભારદ્વાજને હસ્તે આ પ્રતિષ્ઠિત સન્માન પટેલને એનાયત કરવામાં આવ્યું હતું. કાકાસાહેબ કાલેલકર તથા વિષ્ણુ પ્રભાકરની સ્મૃતિને સમર્પિત આ સન્માનમાં શાલ સ્મૃતિ-ચિહન તથા પ્રશસ્તિ-પત્ર સામેલ છે. તેમને અગાઉ વર્ષ ૨૦૦૬માં સૂર્યા સંસ્થાન, નોઇડા તરફથી ગુજરાતી વિદ્વાન સન્માન એનાયત થયું હતું.

આ પ્રસંગે ગાંધીવિચાર પ્રણેતા જ્ઞાનેન્દ્ર રાવત, રમેશ શર્મા, વિશ્વ સમન્વય સંઘનાં અધ્યક્ષ કુસુમ શાહ, ઉપાધ્યક્ષ અતુલકુમાર પ્રભાકર, મહામંત્રી અભિનવ આચાર્ય અને મંત્રી રાજકુમાર વગેરે મહાનુભાવો હાજર હતા. આ કાર્યક્રમમાં અન્ય છ પ્રતિભાઓને વિષ્ણુ પ્રભાકર સન્માન એનાયત થયું હતું.

ભાગ્યેન્દ્ર પટેલ લગભગ છેલ્લા ત્રણ દાયકાથી ભારત સરકારના શિક્ષણ મંત્રાલયની પુસ્તક પ્રકાશન તથા પ્રસારની અગ્રણી સંસ્થા નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયામાં ગુજરાતી ભાષાના સંપાદક તરીકે કાર્યરત છે. તેઓ ૫૦૦ ઉપરાંત પુસ્તકોના સંપાદન, ૧૦૦ આસપાસ અનુવાદ અને વાર્તા-લેખ-કવિતા વગેરેમાં લેખન-યોગદાનની સાથોસાથ પુસ્તક-વાંચનની આદતના પ્રસાર-પ્રચાર માટે પ્રવૃત્તિશીલ છે. આ સિવાય તેઓ ચિત્રકાર, વકતા, નાટ્યલેખક-દિગ્દર્શક, અભિનેતા અને સ્વર-કલાકાર તરીકે એક અનુભવી પ્રતિભા છે. તેઓ માતૃભાષા-સાહિત્ય-સંસ્કૃતિના સંવર્ધન કાજે સાર્વજનિક ગોષ્ઠિઓ, સામાજિક બાબતો અને શિક્ષણલક્ષી નાટકો, દસ્તાવેજી ચલચિત્રો વગેરેમાં સક્રિય છે. તેમણે આકાશવાણી રાષ્ટ્રીય પ્રસારણ સેવાના ગુજરાતી સમાચાર વિભાગમાં સમાચાર અનુવાદ અને વાચક તરીકે તેર વર્ષ સુધી સેવા આપી હતી. તેમણે ઐતિહાસિક ટીવી-રેડીઓ ધારાવાહિક ‘સ્વરાજ’ની ગુજરાતી આવૃત્તિમાં શરૂઆતના ૧૯ એપિસોડ સુધી મહત્વનાં પાત્રો માટે અવાજ આપ્યો છે.