કાજલ હિંદુસ્તાનીની મુશ્કેલી વધી, પાટીદાર દીકરીઓ વિશે વિવાદિત દાવાના કેસમાં કોર્ટે લીધો નિર્ણય

સુરતમાં આયોજિત એક કાર્યક્રમમાં કાજલ હિંદુસ્તાનીએ મોરબીની સાત પાટીદાર દીકરીઓ વિશે એક વિવાદિત નિવેદન કર્યું હતું. આ બાબતે મોરબી કોર્ટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતાં કાજલ હિંદુસ્તાની સામે ફોજદારી કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.

 

ઉલ્લેખનીય છે કે આ કેસ વર્ષ 2023નો છે. સુરતમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન કાજલ હિંદુસ્તાનીએ મોરબીની સાત પાટીદાર દીકરીઓ વિશે વિવાદિત નિવેદન કર્યુ હતું. કોર્ટના આદેશ પ્રમાણે કાજલ હિંદુસ્તાનીને 17 સપ્ટેમ્બરના રોજ કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ પાઠવવામાં આવશે.

નોંધનીય છે કે આ નિર્ણય 2 એપ્રિલ, 2024ના રોજ દાખલ કરવામાં આવેલી અરજીના આધારે લેવામાં આવ્યો છે, જેમાં કાજલ હિંદુસ્તાની સામે કેસ દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે સુરતના કાર્યક્રમમાં મોરબીની ૭ પાટીદાર દીકરીઓ વિષે ટીપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા રેલી યોજી માફીની માંગ કરવામાં આવી હતી. છતાં કાજલ હિન્દુસ્તાનીએ માફીના માંગતા પાટીદાર અગ્રણી અને કોંગ્રેસ નેતા મનોજ પનારાએ કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કરવા અરજી કરી હતી જેને કોર્ટે માન્ય રાખી ફોજદારી કેસ દાખલ કરવા હુકમ કર્યો છે.

મનોજ પનારા દ્વારા કાજલ હિન્દુસ્તાનીને તારિખ ૮/૬/ ૨૦૨૩ના રોજ સુરતના કાર્યક્રમમાં પાટીદાર દીકરીઓ વિષે કરેલી ટીપ્પણીને પગલે કોર્ટમાં કેસ દાખલ કરવા અરજી કરવામાં આવી હતી. જેમાં માહિતી આપતા એડવોકેટ જયદીપ પાંચોટિયાએ જણાવ્યું હતું કે તારીખ ૨/૪/૨૦૨૪ના રોજ અરજી દાખલ કરવામાં આવી હતી જે કોર્ટે ક્રિમીનલ ઇન્ક્વાયરી નંબર ચાલી જતા ૧૪ ઓગસ્ટના રોજ કોર્ટે ફોજદારી કેસ દાખલ કરવા હુકમ કર્યો છે અને આગામી તારીખ ૧૭/૯/૨૪ના રોજ કોર્ટમાં હાજર રહેવા સમન્સ પાઠવાશે.

કોર્ટે હુકમ કરતા જણાવ્યું છે કે, આ પ્રકારની ટીપ્પણીથી મોરબીના પટેલ સમાજની માન, મર્યાદા અને પ્રતિષ્ઠાને હાની પહોંચેલ હોવાનું પ્રથમ દ્રષ્ટીએ જણાતું હોવાથી ફરિયાદીની ફરિયાદ ફોજદારી કેસ રજીસ્ટરે લેવાનો હુકમ કરવામાં આવે છે. આરોપી વિરુદ્ધ ઈપીકો કલમ ૪૯૯,૫૦૦ અન્વયેના ગુના સંબંધે સાહેદ લીસ્ટ, ફરિયાદ અને દસ્તાવેજોની નકલો રજુ કર્યેથી પ્રસેસ ઈશ્યુ કરવાનો હુકમ કરવામાં આવે છે.