અમદાવાદઃ રિલાયન્સ જિયો સાડાચાર વર્ષથી પણ ઓછા સમયગાળામાં રાજ્યમાં સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર બની ગઈ છે અને કંપનીએ રાજ્યમાં સબસ્ક્રાઇબરની દ્રષ્ટિએ ટોચનું સ્થાન હાંસલ કર્યું છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (ટ્રાઇ)એ ડિસેમ્બર, 2020માં પૂર્ણ થયેલા મહિના માટે જાહેર કરેલા સબસ્ક્રાઇબરના આંકડા મુજબ જિયોએ ગુજરાતમાં 3.36 લાખ મોબાઇલ નંબર ઉમેર્યા હતા અને સર્કલમાં કુલ 2.54 કરોડ સબસ્ક્રાઇબર સાથે સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર બની ગઈ હતી.
રિલાયન્સ જિયોએ સપ્ટેમ્બર, 2016માં એની સેવાઓ શરૂ કરી હતી અને કંપનીએ ડિસેમ્બર, 2020ના અંત સુધીમાં સર્કલમાં ટોચનું સ્થાન મેળવી લીધું હતું, એમ ટ્રાઇએ રિપોર્ટમાં જણાવ્યું છે. અહેવાલ કહે છે કે આશરે 25 વર્ષ સુધી સર્કલમાં લીડર રહેલી વોડાફોન-આઇડિયાએ ડિસેમ્બર, 2020માં આશરે 1.62 લાખ સબસ્ક્રાઇબર ગુમાવ્યા હતા, જેના પગલે કંપની એ કુલ 2.50 કરોડ સબસ્ક્રાઇબર સાથે બીજા સ્થાને સરકી ગઈ હતી. રિલાયન્સ અગાઉ જિયો રાજ્યમાં આવકની દ્રષ્ટિએ 45 ટકા હિસ્સા સાથે સૌથી વધુ આવક કરતી ઓપરેટર અને સૌથી વધુ 37.51 ટકા ગ્રાહકો સાથે સૌથી મોટી ઓપરેટર બની ગઈ છે.
જિયો ઉપરાંત ડિસેમ્બર, 2020માં એકમાત્ર એરટેલે રાજ્યમાં 2.25 લાખ સબસ્ક્રાઇબર ઉમેરીને પોઝિટિવ વૃદ્ધિ કરી હતી. 1.14 કરોડ ગ્રાહકો સાથે એરટેલ 16.88 ટકા ગ્રાહકો ધરાવે છે. સરકારી માલિકીની ટેલિકોમ કંપની બીએસએનએલએ આ ગાળામાં આશરે 2.20 લાખ ગ્રાહકો ગુમાવ્યા હતા. ડિસેમ્બર, 2020ના અંત સુધીમાં બીએસએનએલ સર્કલમાં 58.91 લાખ ગ્રાહકો સાથે 8.69 ટકા ગ્રાહકો ધરાવતી હતી.
રાજ્યમાં ડિસેમ્બર, 2020માં મોબાઇલ સબસ્ક્રાઇબર્સનો આંકડો 6.77 કરોડ થયો છે. જિયો અને વોડાફાન આઇડિયા સંયુક્તપણે રાજ્યમાં કુલ સબસ્ક્રાઇબરમાં 74.42 ટકા હિસ્સો ધરાવે છે. રાષ્ટ્રીય સ્તરે પણ ડિસેમ્બરમાં એરટેલ અને જિયોના નવા ગ્રાહકોમાં ચોખ્ખો વધારો થયો હતો. એમાં જિયોને 4.78 લાખ નવા ગ્રાહકો મળ્યા હતા, એમ અહેવાલ કહે છે.