હીરા ઉદ્યોગના કારીગરો માટે જન્માષ્ટમીનું મીની વેકેશન જાહેર..

સુરત: સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમી ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સુરતના હીરા બજારમાં જન્માષ્ટમીના મીની વેકેસનની સત્તાવાર રીતે જાહેરાત કરતા હીરાના કારીગરોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ઓગસ્ટ મહિનામાં તહેવારો વધુ આવવાથી કારીગરો તેમજ વેપારીઓ સૌરાષ્ટ્ર તેમના વતન જશે તેના કારણે હીરા બજારમાં 10 દિવસનું મીની વેકેશન જાહેર કરાયું છે.

ઓગસ્ટ મહિનો ખાસ કરીને તહેવારોનો મહિનો ગણવામાં આવે છે. આ મહિનામાં ગુજરાતીઓ તહેવારની મજા માણતા હોય છે. સુરતના હીરા બજારમાં વેપારીઓ અને કારીગરો મોટા ભાગના સૌરાષ્ટ્રના છે. જેને ધ્યાને રાખીને, તેઓ તેમના વતનમાં તહેવારનો આનંદ લેવા જઈ શકે તે માટે મીની વેકેશનની જાહેર કરી છે. જેથી સૌરાષ્ટ્રના વતનીઓ જન્માષ્ટમી અને સાતમ આઠમના તહેવારની પરિવાર સાથે મજા માણી શકે.

હાલ હીરા ઉદ્યોગ પાછલા  કેટલાક સમયથી મંદીના દોરમાં જ ચાલી રહ્યો છે. ત્યારે કારીગરો અને વેપારીઓમાં એક સારું વાતાવરણ ઉભું થાય તે માટે તહેવારની રાજાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રયોગ હેઠળ 15મી ઓગસ્ટથી કારખાના દસ દિવસ બંધ રાખવા જાહેરાત કરાઈ છે. રફ ડાયમંડનો પુરવઠો અને સામે પોલિશ્ડ ડાયમંડની માંગ જાળવી રાખવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.