IPS અભય ચુડાસમાનું અચાનક રાજીનામું, નિવૃત્તિ પહેલાં જ પોલીસ સેવા છોડવાની જાહેરાત

ગુજરાત પોલીસમાં અલગ ઇમેજ ધરાવતા IPS અધિકારી અભય ચુડાસમાએ સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. જો કે, હજી સુધી રાજ્ય સરકારે રાજીનામાનો સ્વીકાર કર્યો નથી. 3 જાન્યુઆરીના સવારે 10 વાગ્યે તેઓએ રાજ્યના પોલીસવડાને પોતાનું રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. તેઓ હાલ એડિશનલ ડીજીપી તરીકે ગુજરાત પોલીસમાં ફરજ બજાવે છે. કયા કારણોસર અને નિવૃત્તિના થોડાક મહિના પહેલાં જ રાજીનામું આપ્યું તે અંગે અનેક ચર્ચા છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનામાં નિવૃત્ત થવાના હતા. હાલમાં પોલીસ તાલીમ શાળામાં કાર્યરત હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં કોડીનારમાં આયોજિત એક કાર્યક્રમમાં IPS અભય ચુડાસમાએ કહ્યું હતું કે, ‘હું રાજકારણમાં ક્યારેય જોડાઈશ નહીં, સમાજના શિક્ષણ ક્ષેત્રે કામ કરીશ.’ જેથી હવે નિવૃત્તિ બાદ સમાજસેવામાં કાર્યોમાં જોડાશે એવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. અભય ચુડાસમા 1998 બેચના IPS અધિકારી છે. તેઓ મૂળ ધોળકા નજીક રતનપુર ગામના વતની છે. તેમને નાની ઉંમરે જ અંકલેશ્વર ખાતે ડી.વાય.એસ.પી. તરીકે પ્રથમ પોસ્ટિંગ મળ્યું હતું.  તેમને પોલીસ સેવામાં લાંબી સેવા બાદ એપ્રિલ 2024માં ગાંધીનગરમાં સ્ટેટ પોલીસ એકેડેમીમાં પ્રિન્સિપાલ રૂપે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આઠ જ મહિનામાં નિવૃત્ત થવાના હોવા છતાં વહેલા રાજીનામાં કારણે તેમના અનેક સાથી પોલીસકર્મીઓ ચોંકી ગયા હતા.