આર્ટેસિયા (કેલિફોર્નિયા): ભારતના ૭૫મા સ્વાતંત્ર્યદિન પર્વની અમેરિકામાં વસતા ભારતીયો દ્વારા પણ ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી. દક્ષિણ કેલિફોર્નિયામાં ભારતીય-અમેરિકન સમુદાય દ્વારા આયોજિત સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના કાર્યક્રમમાં આર્ટેસિયા સિટીના મેયર, પૂર્વ મેયર્સ કાઉન્સિલના સભ્યો મહેમાન તરીકે હાજર રહ્યા હતા. આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં ઇન્ડો-અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપનો પણ સહયોગ રહ્યો હતો.
આર્ટેસિયાના કોમ્યુનિટી સેન્ટર ખાતે યોજાયેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ ભારત અને અમેરિકાના રાષ્ટ્રગીતથી થયો હતો. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય આર્ટેસિયાના મેયર રેને ટ્રેવિનો, બે ભૂતપૂર્વ મેયર્સ, કાઉન્સિલના સભ્યો અતી તાજ તથા ટોની લીમા, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન પરિમલ શાહ, લેબોન ગ્રુપ હોસ્પિટાલિટીના યોગી પટેલ, જૈન સમાનના રાજેન્દ્ર વોરાના હસ્તે થયું હતું.
મેયર રેને ટ્રેવિનોએ જણાવ્યું હતું કે, અમને શહેરના ઘણાં ભારતીય અમેરિકન રહેવાસીઓનું પ્રતિનિધિત્વ કરવામાં ગર્વ છે. આ ડિસ્ટ્રીક્ટ લિટલ ઇન્ડિયા બિઝનેસ ડિસ્ટ્રીક્ટ તરીકે પણ જાણીતો છે. ટ્રેવિનોએ ભારતીયોની સંગઠિત થઈને રહેવાની ભાવનાને બિરદાવી હતી તથા આઝાદી કા અમૃતોત્સવની શુભેચ્છા પાઠવી હતી. ત્રણેય ભૂતપૂર્વ મેયરે કહ્યું કે ભારતીય અમેરિકનો સ્થાનિક સ્તરે અર્થતંત્રમાં ચાવીરૂપ બની રહ્યાં છે. અમને ભારતીયોનું પ્રતિનિધિત્વ કરવાનું ગૌરવ છે. ૨૧મી સદી ભારતીયોની છે. કાર્યક્રમમાં ઉપસ્થિત કાઉન્સિલ સભ્ય અલી તાજ અને ટોની લીમા તથા ઍનાહીમ શહેરના મેયર હેરી સિદ્ધુએ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા.
ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના ચેરમેન પરિમલ શાહે એમના વ્યક્તવ્યમાં જણાવ્યું હતું કે, ભારત આજે ૭૫મો સ્વાતંત્ર્ય પર્વ ઉજવે છે. તે આપણા સૌ માટે ગૌરવરૂપ છે. ભારતે મુશ્કેલ સંજાગોમાં લોકતંત્રનું સંવર્ધન કર્યું છે. એ વિશ્વના અનેક દેશો માટે પ્રેરણારૂપ છે.
ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટીના પ્રેસિડેન્ટ તથા લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલે જણાવ્યું હતું કે, ભારતનો આઝાદીનો અમૃતોત્સવ એ માત્ર ભારત જ નહીં, વિશ્વ માટે પણ આનંદના અવસરરૂપ છે. ઘણાંબધાં રાજ્યો, ભાષા, જ્ઞાતિ, કોમ, ધર્મ, સંપ્રદાય ધરાવતો ભારત દેશ આઝાદીના ૭૪ વર્ષ પૂરા કરી ૭૫મા વર્ષમાં પ્રવેશ્યો છે એ ભારતવાસીઓ માટે વિરલ સિદ્ધિ અને વિશ્વ માટે પ્રેરણા સ્વરૂપ છે. એક સમયે પરાધીન રહેલો ભારત દેશ આજે આત્મનિર્ભર બનવા તરફ આગળ ધપી રહ્યો છે. ભારતે અનેક ક્ષેત્રે પ્રગતિ કરી છે. આજે એવું કોઇ ક્ષેત્ર નથી કે ભારતની જેમાં હાજરી ન હોય. એક સમયે અન્નની અછત ધરાવતો દેશ ભારત આજે એ બાબતમાં આત્મનિર્ભર બન્યો છે. અન્નથી અવકાશ સુધી ભારતે અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. ભારતીયો વૈશ્વિક પ્રવાસી રહ્યાં છે. તેઓ જ્યાં પણ ગયા છે ત્યાંના વિકાસમાં ભારતીયોનો ફાળો રહ્યો છે. કોરોનાકાળમાં વિકસિત દેશોની તુલનામાં ભારતની સ્થિતિ ઘણીબધી સારી કહી શકાય એવી રહી છે.
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ગુજરાતના ગરબા સહિત ભારતના વિવિધ રાજ્યોની સંસ્કૃતિ રજૂ કરતાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જે વાસુ પવાર દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં અશોક પટનાયક, હરખ વાસા, નલિનીબેન સોલંકી, અંજુ ગર્ગ, ચારુ શ્રિનિવાસન સહિત અન્ય વ્યક્તિઓનો સહયોગ રહ્યો હતો.