ઓખાઃ ભારતીય કોસ્ટગાર્ડ (ICG)ના જહાજ C-413 પરના જવાનોએ આજે એક ત્વરિત સંકલિત કામગીરી હાથ ધરીને ઓખાના કાંઠા નજીક દરિયામાં ડૂબી રહેલી એક માછીમારી બોટમાંથી બે માછીમારને બચાવી લીધા હતા.
‘રત્ના સાગર’ નામની માછીમારી બોટના માલિકે આજે વહેલી સવારે ઓખામાં આઈસીજીના જિલ્લા વડામથકનો સંપર્ક કર્યો હતો અને એમને જાણ કરી હતી કે એની બોટમાં પાણી ભરાઈ રહ્યું છે. આઈસીજી અધિકારીઓએ ત્વરિત પગલું ભર્યું હતું અને તરત જ એમણે ફાસ્ટ-ઈન્ટરસેપ્ટર વર્ગના જહાજ સી-413ને એ દિશામાં મોકલ્યું હતું. એની સાથે પોરબંદરમાંથી એક ALH હેલિકોપ્ટરને પણ રવાના કરવામાં આવ્યું હતું. આઈસીજીનું જહાજ મહત્તમ ઝડપે ફસાયેલા માછીમારો સુધી પહોંચ્યું હતું. સાથોસાથ, હેલિકોપ્ટરે પણ બોટની ફરતે ચકરાવા લગાવ્યા હતા તથા એ ક્ષેત્રમાં રહેલી અન્ય નૌકાઓના નાવિકોને સતર્ક પણ કરી દીધા હતા. ‘રત્ના સાગર’ બોટમાં ખૂબ જ પાણી ભરાઈ ગયું હતું અને તે દરિયામાં ડૂબવા લાગી હતી. ખલાસીઓએ તે બોટને પડતી મૂકી દીધી હતી, જે આખરે ડૂબી ગઈ હતી. તરી રહેલા ખલાસીઓને આઈસીજી જહાજ દ્વારા બચાવી લેવામાં આવ્યા હતા. એમને ઓખા કાંઠે લાવવામાં આવ્યા હતા અને એમના માલિકને સુપરત કરી દેવામાં આવ્યા હતા.