દેશભક્તિની ઉજવણી કરવા રાષ્ટ્રધ્વજનું ઉત્પાદન પુરજોશમાં

અમદાવાદઃ દેશનો સ્વતંત્રતા દિવસ 15મી ઓગષ્ટ નજીક આવતાં જ શહેરના માર્ગો અને બજારમાં ઠેર-ઠેર  તિરંગો જોવા મળે. દરેક વિસ્તારના માર્ગો પર નાની-મોટી સાઇઝના રાષ્ટ્રધ્વજનું વેચાણ કરી પેટિયું રળી લેતા અસંખ્ય લોકો જોવા મળે છે. સ્વતંત્રતા દિવસ પહેલાં તિરંગાની ટોપીઓ, પેન, કી ચેઇન જેવી અનેક ચીજવસ્તુઓ કારખાનાંઓમાં તૈયાર થઈ બજારમાં વેચાણાર્થે આવી જાય છે.

શહેરના જમાલપુર દાણીલીમડા, નારોલ અને બહેરામપુરા નજીકના વિસ્તારોમાં કાપડ પર છાપકામ કરતા નાના- મોટા કારખાના આવેલા છે, જેમાં દરેક સાઇઝના રાષ્ટ્રધ્વજ મોટી સંખ્યામાં બનાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. દેશમાં ‘ હર ઘર તિરંગા’ કાર્યક્રમ ના ભાગરૂપે સરકારી કચેરીઓ, શાળા કોલેજ, વેપારી સંસ્થાઓ, શોપિંગ કોમ્પલેક્સ,  હોટેલ રેસ્ટોરાં અને પોલીસ મથકો જેવી અનેક સંસ્થાઓ પર તિરંગો લગાડવામાં આવનાર છે.

દેશભક્તિનો જુવાળ જાગે એ હેતુથી વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારીઓ, સામાજિક સંસ્થાઓ, કાર્યકરોને ‘હર ઘર તિરંગા’  કાર્યક્રમમાં જોડવામાં આવી રહ્યા છે.  ‘આઝાદીના અમૃત મહોત્સવ’ના પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાનારા કાર્યક્રમોમાં નાના-મોટા અનેક રાષ્ટ્રધ્વજનો ઉપયોગ થઈ રહ્યો છે, જેથી રાષ્ટ્રધ્વજ માગ પણ વધી છે. 15 ઓગષ્ટ નજીક હોવાથી રાષ્ટ્રધ્વજ બનાવવાની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]