ધરમપુરઃ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં આધુનિક સ્થાપત્યકલાની ઉત્કૃષ્ટ કૃતિસમ એક સત્સંગ અને ધ્યાન સંકુલ ‘રાજ સભાગૃહ’નું શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવ રાકેશજી અને BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક અધિષ્ટાતા પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મહંત સ્વામી મહારાજ રાજ સભાગૃહના લોકાર્પણ કરવા શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ, ધરમપુરમાં બ્રહ્મવિહારી સ્વામી અને અન્ય સંતો સાથે પધાર્યા હતા. તેમણે શ્રીમદ રાજચંદ્રજીની 34 ફૂટ ઊંચી પ્રતિમાજીનાં દર્શન અને પ્રક્ષાલ પૂજા કરી હતી તથા જિનમંદિરમાં તેઓ દર્શન પૂજા અર્થે પધાર્યા હતા. રાજ સભાગૃહના લોકાર્પણ પ્રસંગે હજારો ભક્તોની પ્રત્યક્ષ અને વિશ્વભરમાં ઓનલાઈન નિહાળતાં લાખો ભક્તોની ઉપસ્થિતિમાં પૂજ્ય ગુરુદેવ રાકેશજી અને પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજે ‘રાજ સભાગૃહ’ની તક્તીનું અનાવરણ કરીને આ જાજરમાન સંકુલનું ઉદઘાટન કર્યું હતું.
મહંત સ્વામી મહારાજે આશિષ આપતાં કહ્યું હતું કે શ્રીમદ્ રાજચંદ્રજી ખૂબ મહાન પુરુષ હતા. તેમનું કાર્ય પૂજ્ય ગુરુદેવ રાકેશજીએ ખૂબ સુંદર રીતે આગળ વધાર્યું છે. અહીં જે સત્સંગ કરશે, સાધના કરશે, તે જીવનમાં ખૂબ સુખ- શાંતિ પામશે.
ગુરુદેવ રાકેશજીએ પૂજ્યશ્રી મહંત સ્વામી મહારાજની પ્રશસ્તિ કરતાં કહ્યું હતું કે તેમને જોઈને લાગે છે કે આપણે સતયુગમાં જીવીએ છીએ. તેમનામાંથી પવિત્ર સ્પંદનો વહે છે, જો આપણે તેને ગ્રહણ કરીએ તો જરૂર આંતરિક રૂપાંતરણ અનુભવી શકીએ.
રાજ સભાગૃહ આશરે 10 એકરના વિસ્તારનું 20,000 લોકોની ક્ષમતા ધરાવતું એક વિશાળ સંકુલ છે. અહીં હજારો પ્રાચીન ગ્રંથો અને આધુનિક પુસ્તકો તથા તેની ડિજિટલ આવૃત્તિઓ ધરાવતી અનેકાંત લાઇબ્રેરી અભ્યાસીઓ માટે સ્વર્ગ સમાન છે. વિવિધ સત્રો યોજી શકાય તેવા 7 મલ્ટીપર્પઝ એસેમ્બલી હોલ છે. અહીં શ્રીમદ્દ રાજચંદ્રજીના જીવન અને કવન પર ઈન્ટરએક્ટિવ અનુભવ અને શ્રીમદ્દજીએ ગ્રહણ કરેલ વસ્તુઓનું પ્રદર્શન ધરાવતું મ્યુઝિયમ છે. પ્રાકૃતિક સૌંદર્યભર્યા ખુલ્લા વાતાવરણમાં સ્વ સાથે અનુસંધાન કરી શકાય તેવો 1.5 લાખ ચોરસ ફૂટનો વિશાળ પ્લાઝા વગેરે આ સંકુલને વિશ્વસ્તરીય બનાવે છે, જેથી રાજ સભાગૃહને AR ફ્યુચર પ્રોજેક્ટ – કલ્ચરલ રિજનરેશન એવોર્ડ ૨૦૨૨થી સન્માનિત કરવામાં આવ્યું છે.