ત્રીજી લહેરમાં મંડપ, ડેકોરેશન સહિતના વેપારને આર્થિક ફટકો

અમદાવાદઃ દેશમાં કોરોના રોગચાળાને લીધે છેલ્લાં બે વર્ષથી અનેક વેપાર-ધંધાને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. વળી, કોરોનાની ત્રીજી લહેરમાં મંડપ-ડેકોરેશનના ધંધા સાથે સંકળાયેલા લોકો માટે માઠા દિવસો શરૂ થયા છે. કંકોતરીના ધંધાની તો દુર્દશા બેઠી છે, કેમ કે કોરોનાને લીધે લોકો સાવધાની સ્વરૂપે ડિજિટલ કંકોતરી જ વહેંચી રહ્યા છે. બીજી લહેરમાં મંડપ ડેકોરેશનને અંદાજે રૂ. 300 કરોડનું નુકસાન થયું હતું, જ્યારે ત્રીજી લહેરમાં મંડપ-ડેકોરેશન સહિત સંલગ્ન વેપાર-ધંધાને રૂ. 150 કરોડથી વધુનો વેપાર ગુમાવે એવી શક્યતા છે.

રાજ્યમાં દૈનિક ધોરણે કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જેથી સરકારે નવા દિશા-નિર્દેશો પણ જારી કર્યા છે. વળી, કમુરતાં ઊતરતાં લગ્નસરાની સીઝન શરૂ થવામાં છે. જે પહેલાં સરકારે લગ્નમાં 400 લોકોની મર્યાદા ઘટાડી 150ની કરી દીધી છે. જેને છે. લગ્નપ્રસંગો સાથે સંકળાયેલા હોટેલ, પાર્ટી પ્લોટ, કેટરર્સ, ડેકોરેશન, મંડપ સર્વિસ સહિતના 35થી વધુ ધંધાઓને આર્થિક નુકસાન થવાની શક્યતા છે.

મંડપ ડેકોરેશન સાથે સંકળાયેલા મેહુલ પટેલ જણાવે છે કે જાન્યુઆરીમાં કમુરતાં પછી લગ્નસરાની સીઝન શરૂ થશે, પરંતુ કોરોનાએ ફરી માથું ઊંચકતાં મંડપ ડેકોરેશનના વેપારમાં ફરી ઘટાડો જોવા મળશે. ત્રીજી લહેરને કારણે સ્થિતિ વધુ બગડે એવી શક્યતા છે.
હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન ગુજરાતના પ્રમુખ નરેન્દ્રભાઈ સોમાણી જણાવે છે કે ફરીથી કેટરિંગ વ્યવસાય મુશ્કેલીમાં આવ્યો છે અને ઘણા બધા ઓર્ડર પણ કેન્સલ થયાના સમાચાર છે. નાના-મોટા લગ્ન થવાનાં હતાં અને હવે કોરોનાને કારણે કેટારિંગ, હોટલ, ડેકોરેશન, મ્યુઝિક સહિતના ઉદ્યોગો ફરી સંઘર્ષ કરશે એ વાત નક્કી છે.