અમદાવાદઃ ગુજરાત રાજયસભાની ચૂંટણીમાં ગરમાટો આવી ગયો છે, કેમ કે રાજ્યસભાની બેઠકો ચાર છે અને ઉમેદવારો પાંચ. એટલે નક્કી આ વખતે કોંગ્રેસમાં સિંધિયાવાળી થવાની છે. ક્રોસ વોટિંગ થવાનું છે. ભાજપ અને કોંગ્રેસ –બંને પક્ષો આ ચૂટંણીમાં નિશ્ચિત જીતના દાવા કરી રહ્યા છે. કોંગ્રેસના કયા ધારાસભ્યો નારાજ છે એની કોંગ્રેસમાં ચર્ચા જોરશોરથી થઈ રહી છે. કોંગ્રેસના ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે ઉમેદવારી ફોર્મ ભર્યાં હતા, જ્યારે ભાજપના ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. ભાજપના અભય ભારદ્વાજ, રમીલા બારા અને નરહરિ અમીને પણ ફોર્મ ભર્યાં હતાં. મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાણાપ્રધાને તેમના ત્રણે ઉમેદવારો જીતશેના દાવા કર્યા છે.
ભાજપમાંથી ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભર્યાં
ભાજપમાંથી ત્રણ ઉમેદવારો રાજ્યસભાની બેઠકો માટે ફોર્મ ભરવાનાં છે. જ્યારે કોંગ્રેસમાંથી બે ઉમેદવારો રાજ્યસભાની બેઠકો માટે ફોર્મ ભરવાનાં છે. રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલા બારા અને નરહરિ અમીન ફોર્મ ભરવાનાં છે. ભાજપના નરહતિ અમીને દાવો કર્યો છે કે કોંગ્રેસના અનેક ધારાસભ્યો પક્ષના નેતાઓથી નારાજ છે. આમ ભાજપના ત્રીજા ઉમેદવાર માટે ભારે રસાકસી છે.
કોંગ્રેસના ભરતસિંહ સોલંકીનો બંને ઉમેદવારો ચૂંટણી જીતશેનો દાવો
કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી ઉમેદવારી ફોર્મ ભર્યાં છે. કોંગ્રેસ દાવો કર્યો છે કે તેના તમામ ધારાસભ્યો તેમની સાથે છે. કોંગ્રેસના ભરતસિંહે પણ કોંગ્રેસના બંને ઉમેદવારો જીતશેનો દાવો કર્યો છે. ભાજપ તોડફોડનું રાજકારણ કરી રહ્યો છે,એમ તેમણે કહ્યું હતું. જોકે આ પ્રયાસ તેમનો સફળ નહીં રહે. તેમણે કહ્યું હતું કે ભાજપની ધારાસભ્યોને ખરીદવાની રણનીતિ સફળ નહીં થાય.
નાણાપ્રધાન નીતિન પટેલના નિવેદને બળતામાં ઘી હોમ્યું
નાણાપ્રધાન નીતિન પટેલે નિવેદન આપ્યું છે કે કોંગ્રેસના કેટલાક સભ્યો નારાજ છે એટલે અમારો ત્રીજો ઉમેદવાર ચોક્કસ જીતશે. નીતિનભાઇના નિવેદન પછી રાજકીય ગરમાટો આવી ગયો છે. ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન માટે કોંગ્રેસના પાટીદારોને સોફ્ટ કોર્નર છે.
ભાજપના ત્રીજા ઉમેદવારે કોંગ્રેસના ધબકારા વધાર્યા
હાલ વિધાનસભામાં કોંગ્રેસ પાસે 72 સભ્યો છે, જ્યારે ભાજપના 103 સભ્યો છે. જેને આધારે કોંગ્રેસને બે બેઠકો મળે એમ છે, પણ ભાજપે ત્રીજો ઉમેદવાર ઊભો રાખતાં ચૂંટણીમાં ભારે ગરમાટો આવ્યો છે. વળી ભાજપે ત્રીજો ઉમેદવાર પાટીદાર ઉતાર્યો હોવાથી રાજ્યસભાની ચૂંટણી જંગમાં કોંગ્રેસમાં ક્રોસ વોટિંગની શક્યતા છે.
બંને પક્ષોએ કર્યા જીતના દાવા
ભાજપ અને કોંગ્રેસ –બંને પક્ષોએ રાજ્યસભાની બેઠકો જીતવાના દાવા કર્યા છે. વળી ભાજપ પણ આત્મ વિશ્વાસથી કહે છે કે અમારો ત્રીજો ઉમેદવાર પણ જીતશે. હવે જો કોંગ્રેસમાં ક્રોસ વોટિંગ થાય તો જ આ શક્ય બને. નાણાપ્રધાન નીતિન પટેલે કોંગ્રેસના આંતરિક જૂથવાદ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસનો આંતરિક જૂથવાદ અમને લાભ કરાવશે. જ્યારે કોંગ્રેસ તમામ ધારાસભ્યો એકજૂટ હોવાનો દાવો કરી રહી છે.