સિંધિયાના પિતરાઈ ભાઈએ કહ્યુંઃ ભાજપ સાથે જોડાવું તે નિર્ણય ખોટો છે

નવી દિલ્હીઃ ત્રિપુરા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને માણિક્ય શાહી પરિવારથી આવતા પ્રદ્યોત દેવબર્મને કહ્યું કે, તેમના પિતરાઈ ભાઈ જ્યોતિરાદિત્ય સિંધિયાનો ભાજપ સાથે જોડાવાનો નિર્ણય યોગ્ય વિકલ્પ નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતૃત્વ યુવા નેતાઓને તક આપવા માટે તૈયાર નથી. દેવબર્મને ગત વર્ષે ત્રિપુરા કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. દેવબર્મને જણાવ્યું કે, મારું માનવું છે કે આપણે બધાએ સાથે બેસવું જોઈએ અને એ મામલે વિચારવું જોઈએ કારણ કે અમે તમામ કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા છીએ.

દેવબર્મને કહ્યું કે, ભાજપની સવારી કરવી તે યોગ્ય વિકલ્પ નથી. આપણે બધાએ સાથે બેસવું જોઈએ અને આ પરિસ્થિતિમાં જ્યારે કોંગ્રેસ નેતૃત્વ યુવાનોને આગળ લાવવા માટે તૈયાર નથી, દેશ માટે કેવી રીતે યોગદાન કરી શકીએ તેની પદ્ધતી શોધવી જોઈએ. તેમણે કહ્યું કે, કોંગ્રેસના તમામ યુવા નેતાઓએ એક સાથે કામ કર્યું અને આ સમય છે કે આપણે એક સમાધાન રજૂ કરીએ કારણ કે દેશને પ્રભાવશાળી વિપક્ષની જરુર છે.

દેવબર્મને કહ્યું કે, મારું માનવું છે કે સચિન પાયલટ, અજય કુમાર અને ઘણા અન્ય નેતાઓમાં ખૂબ ક્ષમતા છે. પૂર્વ આઈપીએસ અધિકારી અને ઝારખંડ કોંગ્રેસના પ્રમુખ અજય કુમારે ગત વર્ષે ઓગસ્ટમાં કોંગ્રેસ છોડી દીધી હતી અને આમ આદમી પાર્ટી સાથે જોડાઈ ગયા હતા.