પ્રકાશનું પર્વ દિવાળીનો તહેવાર અનેક લોકો માટે ન ભૂલાય એવી વસમી યાદ બનીને રહી ગયો છે. દિવાળીથી લઈને ભાઈબીજ સુધીના ચાર દિવસમાં ગુજરાતમાં ઈમરજન્સી કેસમાં અનેક ઘણો વધારો થયો છે. ચાર દિવસ દરમિયાન 20 હજાર જેટલા ઈમરજન્સી કેસ નોંધોયા છે.
દિવાળીથી લઈને ભાઈબીજ સુધીમાં ઈમરજન્સી કેસમાં અધધ વધારો થયો છે. સામાન્ય દિવસોની વાત કરીએ તો રોજના 4500 જેટલા કેસ થતાં હોય છે. જ્યારે દિવાળીના સમયમાં સરેરાશ 5500 જેટલા મેડિકલ ઇમરજન્સી કેસ નોંધાયા છે. દિવાળીના તહેવારમાં મેડિકલ ઈમરજન્સી સર્વિસ 108ના ફોન આકસ્મિક ઘટનાને લઈને રણકતા રહ્યા.
આ વિશે વાત કરતા ઈમરજન્સી સર્વિસના સીઓએ જસવંત પ્રજાપતિએ કહ્યું કે, “દિવાળીના તહેવારોમાં ૧૦૮માં ઇમરજન્સી કેસમાં સતત વધારો થયો છે. જેમાં રોડ એક્સિડન્ટના કિસ્સામાં વધારો થયો છે. નાના જિલ્લામાં સામાન્ય દિવસોમાં ખૂબ ઓછા અકસ્માત થતાં હોય છે એવા જિલ્લામાં રોડ અકસ્માતમાં વધારો થયો છે. દિવાળીના તહેવારમાં દાહોદ અને પંચમહાલમાં મારામારીના કેસ વધુ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા ૪ દિવસમાં આલ્કોહોલ અને ડ્રગ્સ એડિક્શનના કેસ પણ નોંધાયા છે.”
નોંધનીય છે કે દિવાળીના દિવસોમાં એક બાજુ લોકો તહેવારની ઉજવણી કરી રહ્યા હતા. ત્યાં બીજીબાજુ 108 સતત દોડતી રહી છે. કોઈની માટે આ દિવાળી આનંદનો ઉત્સવ તો કોઈની માટે કાળનો કોળીયા સમાન બની ગઈ.